ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ટેસ્ટ મેચમાં તોડ્યો 73 વર્ષ જૂનો રેકોર્ડ

એડિલેડ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે શનિવારે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડ ખાતેની બીજી ટેસ્ટમાં 23 રન પૂરા કરીને કરિયરમાં 7 હજાર રનનો આંક વટાવ્યો હતો. સ્મિથ પોતાની 70મી ટેસ્ટ અને 126મી ઇનિંગ્સમાં 7 હજાર રન પૂરા કરીને આ માઈલસ્ટોન સુધી સૌથી ઝડપી પહોંચનાર બેટ્સમેન બની ગયો છે.

અગાઉ ઇંગ્લેન્ડના વોલી હેમન્ડે 17 ઓગસ્ટ 1946માં 131 ઇનિંગ્સમાં 7 હજાર રન કરીને રેકોર્ડ બનાવ્યો હતો. સ્મિથે તેનો 73 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ લિસ્ટમાં ભારતનો વિરેન્દ્ર સહેવાગ ત્રીજા સ્થાને આવે છે. સહેવાગે 134 ઇનિંગ્સમાં 7 હજાર નર પૂરા કર્યા હતા. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 136 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો હતો. ગેરી સોબર્સ, કુમાર સંગાકરા અને વિરાટ કોહલી સંયુક્તપણે આ સૂચિમાં પાંચમા સ્થાને આવે છે. તેમણે 7 હજાર રન સુધી પહોંચવા 138 ઇનિંગ્સ લીધી હતી.

લેગ સ્પિનર તરીકે કરિયરની શરૂઆત કરનાર સ્મિથે પોતાના પ્રથમ હજાર રન 36.4ની એવરેજે કર્યા હતા. તે પછી દર હજાર રન પૂરા કરતી વખતે તેની એવરેજમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. તેણે 2 હજાર રન 50.38ની એવરેજે, 3 હજાર રન 56.27 અને 4 હજાર રન 58.55ની એવરેજે પૂરા કર્યા હતા. 5 હજાર રનનો પૂરા કરતી વખતે સ્મિથની કરિયર એવરેજ પહેલી વાર 60 કરતા વધુ હતી. તેણે 5 હજાર રન 60.98ની એવરેજે, 6 હજાર રન 63.75ની એવરેજે અને 7 હજાર રન 64.22ની એવરેજે પૂરા કર્યા છે. તે 36 રને આઉટ થતા તેની કરિયર એવરેજ 63.75ની થઇ ગઈ છે.