અરૂણા રેડ્ડીઃ જિમ્નેસ્ટિક્સ ક્ષેત્રે ભારતની નવી સ્ટાર

જિમ્નેસ્ટિક્સની વિશ્વ કપ સ્પર્ધામાં ભારતને ચંદ્રક અપાવવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે હૈદરાબાદની 22 વર્ષીય અરૂણા રેડ્ડીએ.

અરૂણાએ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આયોજિત વર્લ્ડ કપમાં જીત્યો કાંસ્યચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે.

અરૂણાએ આ અનેરી સિદ્ધિ ગયા શનિવારે હાંસલ કરી હતી. એણે મહિલાઓની વોલ્ટ હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એ હરીફાઈમાં કુલ 11 દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એમાંથી 8 છોકરીઓ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ હતી. આ જ હરીફાઈના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં પહોંચવામાં ભારતની એક અન્ય જિમ્નાસ્ટ પ્રણિતી નાયક પણ સફળ રહી હતી, પરંતુ પ્રણિતી છઠ્ઠા સ્થાને આવી અને અરૂણાએ ત્રીજું સ્થાન મેળવી મેડલ જીત્યો.

અરૂણાને 13.649 એવરેજ પોઈન્ટ્સ હાંસલ કરવા માટે કાંસ્ય ચંદ્રક આપવામાં આવ્યો હતો. સ્લોવેનિયાની તાસા કાઈલીફે 13.800 સાથે ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાની એમિલી વ્હાઈટહેડે સ્પર્ધકે 13.699 પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

વર્લ્ડ કપમાં મેડલ જીતનાર અરૂણા પહેલી જ ભારતીય મહિલા બની છે અને જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં આને કારણે આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે.

અરૂણા પહેલાં ભારતનું નામ જિમ્નેસ્ટિક્સમાં વિશ્વસ્તરે રોશન કરનાર હતી દીપા કર્માકર. દીપાએ 2016ની રિયો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની વોલ્ટ ઈવેન્ટમાં સૌને પ્રભાવિત કર્યા હતા. એ સહેજ માટે કાંસ્ય ચંદ્રક ચૂકી ગઈ હતી. એ ચોથા નંબરે આવી હતી. જોકે એશિયન ચેમ્પિયનશિપ અને 2104ની કોમનવેલ્થ ગેમ્સમાં દીપાએ કાંસ્ય ચંદ્રક જરૂર જીત્યો હતો.

અરૂણાએ 2013ની વર્લ્ડ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનિશપ, 2014ની કોમનવેલ્થ ગેમ્સ, 2014ની એશિયન ગેમ્સ અને 2017ની એશિયન જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો.

એ બધાયમાં એનો બેસ્ટ પરફોર્મન્સ ગયા શનિવારે વર્લ્ડ કપમાં રહ્યો હતો. 2017ની એશિયન સ્પર્ધામાં એ છઠ્ઠા ક્રમે આવી હતી. આ સ્પર્ધામાં 16 દેશોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

અરૂણા કરાટેમાં બ્લેક બેલ્ટ પણ ધરાવે છે. કરાટે રમત એની પહેલી પસંદગી હતી, પણ એનાં કોચે અરૂણાનાં શરીરની ફ્લેક્સિબિલિટી જોઈને એને જિમ્નાસ્ટ બનવાની સલાહ આપી હતી અને બાદમાં પિતાના આગ્રહને કારણે અરૂણા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ તરીકે કારકિર્દીમાં આગળ વધી, અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત વતી ભાગ લેતી થઈ અને આજે ઈતિહાસ પણ સર્જી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]