પતિ વિરાટ કોહલીનાં ૩૦મા જન્મદિને અનુષ્કાએ ‘બર્થડે વિશ’ સંદેશામાં શું કહ્યું?

0
1201

મુંબઈ – ભારતનો ક્રિકેટ કેપ્ટન અને વિશ્વવિક્રમી બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વિશેષ દિને કોહલી ઉપર તેના મિત્રો અને પ્રશંસકો તરફથી અભિનંદન અને શુભેચ્છા સંદેશાઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વ્યક્ત કરેલો સંદેશો હૃદયસ્પર્શી છે.

અનુષ્કાએ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર વિરાટ સાથે પોતાની તસવીરો પોસ્ટ કરી છે અને એની કેપ્શનમાં લખ્યું છે ‘થેન્ક ગોડ ફોર હિઝ બર્થ.’ (વિરાટને જન્મ આપવા બદલ ભગવાન તમારો આભાર).

વિરાટ અને અનુષ્કા ભારતનું પાવર કપલ ગણાય છે. તેઓ અવારનવાર પોતાની મોહક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરતાં હોય છે.

આ દેખાવડી જોડી 2017ની 11 ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. બંનેએ ઈટાલીમાં જઈને લગ્ન કર્યાં હતાં. એ વખતે એમનાં પરિવારજનો તથા ખાસ નિકટનાં મિત્રો જ હાજર રહ્યાં હતાં. ત્યારબાદ એમણે દિલ્હી તથા મુંબઈમાં ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું.

અનુષ્કા ટૂંક સમયમાં જ ઝીરો ફિલ્મમાં જોવા મળશે. એમાં તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ચમકશે.

બીજી બાજુ, વિરાટ કોહલી ઘરઆંગણે ભારતને વેસ્ટ ઈન્ડિઝ પર ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટ શ્રેણીઓમાં વિજય અપાવ્યા બાદ હાલ આરામ કરી રહ્યો છે.

વિરાટ અને અનુષ્કા હાલ હરિદ્વાર ગયાં છે. ત્યાં નરેન્દ્ર નગર સ્થિત એક હોટેલમાં તેઓ ઉતર્યાં છે. બંને જણ 7 નવેમ્બર સુધી ત્યાં રહેશે એટલે કે દિવાળીનો તહેવાર ત્યાં જ ઉજવશે. બંને જણ ઋષિકેશ પણ જવાનાં છે અને ત્યાં રિવર રાફ્ટિંગ, કેમ્પિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનાં છે.

કોહલી અને અનુષ્કા આ ઉપરાંત દેહરાદૂનમાં અનંત ધામ આત્મબોધ આશ્રમમાં પણ જાય એવી ધારણા છે. આ આશ્રમ મહારાજ અનંતબાબાની દેખરેખ હેઠળ સંચાલિત છે. અનંતબાબા અનુષ્કા તથા એનાં પરિવારનાં આધ્યાત્મિક ગુરુ છે. સ્થાનિક વહીવટીતંત્રને આ હાઈપ્રોફાઈલ દંપતીનાં આગમન અને રોકાણ વિશે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેથી બંનેને કોઈ પ્રકારની અગવડતા ન પડે એ માટે વહીવટીતંત્ર તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે.

httpss://www.instagram.com/p/BpyWWkAnWTL/?utm_source=ig_embed&utm_medium=loading