અમોલ મઝુમદાર નિમાયા સાઉથ આફ્રિકા ટીમના વચગાળાના બેટિંગ કોચ

મુંબઈ – રણજી ટ્રોફી સ્પર્ધામાં મુંબઈના એક સમયે આધારભુત બેટ્સમેન તરીકે રમી ચૂકેલા અમોલ મઝુમદારને હાલ ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકા ટીમના ટેસ્ટ શ્રેણી માટેના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આરંભ આવતી બીજી ઓક્ટોબરથી થશે.

44 વર્ષીય મઝુમદારે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 48.13ની સરેરાશ સાથે 11,167 રન કર્યા હતા. એમને ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં રમવાનો ક્યારેય મોકો મળ્યો નહોતો.

પોતાની નિમણૂકના સમાચારને મઝુમદારે સમર્થન આપ્યું છે.

એમણે કહ્યું કે ગયા અઠવાડિયે એ લોકોએ મારો સંપર્ક કર્યો હતો અને મેં કામગીરી સ્વીકારી છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે આ રીતે સંકળાવું એ ગૌરવની બાબત કહેવાય.

મઝુમદાર મોટા ભાગની ક્રિકેટ કારકિર્દી મુંબઈ વતી રમ્યા હતા અને બાદમાં આસામમાં સ્થાયી થયા છે.

પ્રથમ કક્ષાની ક્રિકેટ ઉપરાંત મઝુમદારે લિસ્ટ A ક્રિકેટમાં પણ 3,286 રન કર્યા છે.

તેઓ આઈપીએલ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ ટીમના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે.

ભારત સામેની આગામી સિરીઝમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને માર્ગદર્શન આપવાનો મઝુમદાર સામે મોટો પડકાર છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ-ટેસ્ટ મેચોની સિરીઝનો આંરભ બીજી ઓક્ટોબરથી થશે. પહેલી ટેસ્ટ વિશાખાપટનમમાં રમાશે. બીજી ટેસ્ટ પુણેમાં 10 ઓક્ટોબરથી અને ત્રીજી તથા આખરી ટેસ્ટ રાંચીમાં 19 ઓક્ટોબરથી રમાશે.

ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે અમોલ મઝુમદારને નિયુક્ત કરાયા છે સાઉથ આફ્રિકાની ટીમના બેટિંગ કોચ તરીકે. ટેસ્ટ શ્રેણીનો આરંભ બીજી ઓક્ટોબરથી થશે.

ટેસ્ટ સિરીઝ પૂર્વે સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે અને ત્યારબાદ ટેસ્ટ સિરીઝ અને પછી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.