ધવનની જેમ ભૂવનેશ્વર પણ વિન્ડીઝ સામેની ODI સિરીઝ કદાચ ચૂકી જશે

મુંબઈ – T20I મેચોની સિરીઝ જીતી લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. એમાં ઓપનર શિખર ધવન રમવાનો નથી. ભારતીય ટીમને એનો આંચકો લાગ્યો છે. ત્યાં હવે બીજો આંચકો એ લાગ્યો છે કે ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર પણ કદાચ રમી નહીં શકે.

આમ, ભારતને 15-સભ્યોની ટીમમાં આ બે મોટા ફેરફાર કરવા પડે એવી સંભાવના છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 3-મેચોની સિરીઝ રમશે. પહેલી મેચ 15 ડિસેંબરે ચેન્નાઈમાં રમાશે.

ભૂવનેશ્વર કુમારને શું ઈજા થઈ છે એ હજી સ્પષ્ટ થયું નથી.

ટીમ મેનેજમેન્ટ મેડિકલ સ્ટાફ તરફથી આખરી સમર્થનની રાહ જુએ છે.

જો ભૂવનેશ્વર કુમાર બાકાત થશે તો એની જગ્યાએ નવદીપ સૈની, ખલીલ એહમદ અને શાર્દુલ ઠાકુરમાંથી કોઈ એકની પસંદગી કરાશે.

2019ની સાલમાં આ ત્રીજી વાર બનશે કે ભૂવનેશ્વર ઈજાને કારણે ટીમમાંથી આઉટ થશે. આ પહેલાં, 2019ની વર્લ્ડ કપ સ્પર્ધામાં પાકિસ્તાન સામેની મેચમાં એ રમી શક્યો નહોતો. બાદમાં, સ્પર્ધાના સેમી ફાઈનલ રાઉન્ડમાં એ ટીમમાં પાછો ફર્યો હતો, પણ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાયેલી ઉપરાછાપરી બે સિરીઝમાં એ રમી શક્યો નહોતો.

હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ ગયેલી 3-મેચોની આખી ટ્વેન્ટી-20 સિરીઝમાં ભૂવનેશ્વર રમ્યો હતો અને બે વિકેટ લીધી હતી.

શિખર ધવનની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાયો છે. અગ્રવાલ ફોર્મમાં છે. ધવનને ઘૂંટણમાં ઈજા થઈ છે, જે ગયા મહિને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધાની મેચ વખતે એને થઈ હતી. એમાંથી તે હજી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી. ટ્વેન્ટી-20 સિરીઝમાં એની જગ્યાએ સંજુ સેમસનને પસંદ કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]