પહેલી ટેસ્ટઃ અશ્વિનના તરખાટ બાદ હેડની હાફ સેન્ચુરીએ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ સુધારી

એડીલેડ – અહીં રમાતી પહેલી ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતના પહેલા દાવના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના ભોગે 191 રન કર્યા હતા. ગૃહ ટીમ ભારત કરતાં હજી 59 રન પાછળ છે.

ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે ભારતના બોલરોને લડત આપીને 61 રન ફટકારતાં અને દિવસને અંતે અણનમ રહેતા ઓસ્ટ્રેલિયા 200ના આંકની નજીક પહોંચવામાં સફળ થયું.

ભારતને લાભ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને. એણે ઓસ્ટ્રેલિયાના ટોચના ચારમાંના ત્રણ બેટ્સમેનને આઉટ કરીને યજમાનોની છાવણીમાં સન્નાટો અને ભારતની છાવણીમાં આનંદ ફેલાવ્યો હતો. દિવસને અંતે અશ્વિન 33 ઓવર ફેંકીને 50 રનમાં 3 વિકેટ સાથે ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો.

બે ફાસ્ટ બોલર – ઈશાંત શર્મા (31 રનમાં 2) અને જસપ્રીત બુમરાહ (34 રનમાં 2 વિકેટ) તરફથી અશ્વિનને ટેકો મળ્યો હતો. અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 16 ઓવર ફેંકી હતી, પણ એને એકેય વિકેટ મળી નહોતી.

ટ્રેવિસ હેડે 149 બોલનો સામનો કર્યો છે, જેમાં 6 ચોગ્ગા છે.

ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયાનો સફળ બેટ્સમેન

ઈશાંત શર્માએ ઓસ્ટ્રેલિયાના દાવની પહેલી ઓવરના ત્રીજા જ બોલે આરોન ફિન્ચ (0)ને ક્લીન બોલ્ડ કરીને શ્રીગણેશ કર્યા હતા.

ત્યારબાદ અશ્વિને માર્કસ હેરિસ (26), શોન માર્શ (2) અને ઉસ્માન ખ્વાજા (28)ને આઉટ કરીને ભારતને મોટી રાહત અપાવી હતી.

પીટર હેન્ડ્સકોમ્બ (34) અને ટ્રેવિસ હેડે ત્યારબાદ ભારતના બોલરોનો પ્રતિકાર કર્યો હતો. બુમરાહે 120 રનના સ્કોર પર હેન્ડ્સકોમ્બને કીપર પંતના ગ્લોવ્ઝમાં સપડાવ્યો હતો અને ઈશાંતે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને વિકેટકીપર ટીમ પેઈન (5)ને પણ કીપર પંતના ગ્લોવ્ઝમાં સપડાવી ઓસ્ટ્રેલિયામાં ગભરાટ ફેલાવી દીધો હતો. 127 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની એ 6ઠ્ઠી વિકેટ પડી હતી.

બુમરાહે ત્યારબાદ 177 રનના સ્કોર પર ફરી ત્રાટકીને પેટ કમિન્સ (10)ને લેગબીફોર આઉટ કર્યો હતો.

દિવસને અંતે હેડ સાથે મિચેલ સ્ટાર્ક 8 રન સાથે દાવમાં હતો.

અગાઉ સવારે, ભારતે 9 વિકેટે 250 રનનો ગઈ કાલનો અધૂરો દાવ આગળ વધાર્યો હતો, પણ દાવનો અંત લાવવામાં ઓસ્ટ્રેલિયાને માત્ર એક જ બોલની જરૂર પડી હતી. દિવસના પહેલા જ બોલે મોહમ્મદ શમી (6) આઉટ થયો હતો. હેઝલવૂડના બોલને રમવા જતાં એ કીપર પેઈનને કેચ દઈ બેઠો હતો.

હવે ઓસ્ટ્રેલિયાનો મદાર ટ્રેવિક હેડ પર છે જ્યારે ભારતના બોલરો ગૃહ ટીમની બાકી ત્રણ વિકેટ જલદી ઉપાડી લઈને થોડીક લીડ હાંસલ કરવાના પ્રયાસમાં રહેશે.

સાથી બોલરોના દેખાવથી અશ્વિન ખુશ

રવિચંદ્રન અશ્વિને ટીમના સાથી બોલરોએ આજે કરેલા દેખાવની પ્રશંસા કરી છે.

‘આજે અમે બોલરોએ એક બોલિંગ યુનિટ તરીકે કામગીરી બજાવી હતી. અમારા માટે આજનો દિવસ ફળદાયી રહ્યો હતો. અમે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર બંને છેડેથી દબાણ ચાલુ રાખ્યું હતું. અમે ખાસ ધ્યાન રાખ્યું હતું કે વધારે રન જાય નહીં’, એમ અશ્વિને કહ્યું.