નેત્રહીનો માટેની ODI ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ફાઈનલમાં; પાકિસ્તાન સામે ટકરાશે

દુબઈ – દુબઈમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, ઓસ્ટ્રેલિયા, નેપાળ અને શ્રીલંકા વચ્ચે રમાતી પાંચમી ODI બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં આજે ભારતે સેમી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ધરમપુરના ગણેશ મહુડકરે ૬૯ બોલમાં ૧૧૨ રન ફટકારી જીત્યો
‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ

ગઈ વેળાની ચેમ્પિયન ભારતીય ટીમના ખેલાડીઓ પૈકી રાજપુરી જંગલ – ધરમપુરના ગણેશ મહુડકરે ૬૯ બોલમાં ૧૧૨ ફટકારીને ‘મેન ઓફ ધ મેચ’ દેખાવ કર્યો હતો. એને લીધે ધરમપુર પંથક સહિત વલસાડ જીલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હવે ૨૦ જાન્યુઆરીના શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ શારજાહ ખાતે રમાશે.

ધરમપુરના ગણેશ મહુડકર – ‘મેન ઓફ ધ મેચ’

બાંગલાદેશે આજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ૩૮.૫ ઓવરમાં ૨૫૬ રન બનાવ્યા હતા.

પહેલા ૫૦ રનમાં તો બે વિકેટ ગુમાવી ચૂકેલા બાંગ્લાદેશે ત્યારબાદ અબ્દુલ મલિકના ૧૦૮ રનના સ્કોરના સથવારે ૨૫૬ રન કર્યા હતા.

ભારત તરફથી દુર્ગા રાઉએ ત્રણ, દીપક મલિક અને પ્રકાશ બગ્ગાએ બબ્બે વિકેટ મેળવી હતી.

ત્યારબાદ ૨૫૭ રનના સ્કોરનો પીછો કરતા ભારતીય ખેલાડી દીપક માલિકે ૪૩ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા પરંતુ એને રીટાયર્ડ-હર્ટ થતા પેવેલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. ૧૮ બોલમાં ૪૦ રન ફટકારનાર નરેશ કેચ-આઉટ થયા હતા. પરંતુ રાજપુરી જંગલ – ધરમપુરના ગણેશ મહુડકરે ૬૯ બોલમાં ૧૧૨ રન ફટકારીને મેચને ભારતની તરફેણમાં લાવી એને જિતાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળ સામેની લીગ મેચમાં ધરમપુરના જ ક્રિકેટર અનીલ ગારીયા ૨૯ બોલમાં ૫૪ રન ફટકારીને મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ બંને ખેલાડીના ધમાકેદાર દેખાવને કારણે ધરમપુરના ક્રિકેટપ્રેમીઓમાં ક્રિકેટ ફીવર સાથે આનંદ છવાઈ ગયો છે.

હવે આગામી ૨૦મી તારીખે ઉત્તેજનાની પરાકાષ્ઠા વચ્ચે ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે. સ્વાભાવિકપણે જ ભારત ટ્રોફી જીતવા માટે હોટ ફેવરીટ છે. ભારત-પાકિસ્તાન ફાઈનલમાં આવતાં શારજાહ તેમજ બંને દેશના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્તેજના ચરમસીમાએ છે.