ત્રીજી ટેસ્ટઃ પંડ્યાએ 29 બોલમાં 5 વિકેટ લેતાં ઈંગ્લેન્ડની બેટિંગના ભૂક્કા બોલી ગયા

નોટિંઘમ – અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે લંચ બાદના સત્રની રમત નાટ્યાત્મક બની રહી હતી. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ માત્ર 29 બોલમાં ઈંગ્લેન્ડની પાંચ વિકેટ લેતાં યજમાન ટીમ તેના પહેલા દાવમાં 161 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી.

ભારતે પહેલા દાવમાં 329 રન કર્યા હતા. આમ, વિરાટ કોહલી અને તેના સાથીઓને પહેલા દાવની 168 રનની સરસાઈ મળી છે. બીજા દિવસની રમતને અંતે બીજા દાવમાં ભારતનો સ્કોર ધવન (44), રાહુલ (36)ની વિકેટો ગુમાવીને 124 રન હતો. ચેતેશ્વર પૂજારા 33* અને કેપ્ટન વિરાટ કોહલી 8* દાવમાં હતો.. ઈંગ્લેન્ડ પર ભારતની કુલ સરસાઈ 292 રન થઈ છે.

અગાઉ, હાર્દિ પંડ્યાએ 28 રનમાં પાંચ વિકેટ લેતાં ઈંગ્લેન્ડના દાવનો નાટ્યાત્મક રીતે ઓચિંતો અંત આવી ગયો હતો.

બીજા સત્રમાં ઈંગ્લેન્ડની ટીમ 115 રન ઉમેર્યા હતા. લંચ વખતે એનો સ્કોર એકેય વિકેટ વગર 46 રન હતો, પણ લંચ પછીના સત્રમાં ટીમે 115 રન કર્યા અને બધા બેટ્સમેનો આઉટ થઈ ગયા.

પંડ્યા ઉપરાંત ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે વ્યક્તિગત બે વિકેટ લીધી તો અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

જોસ બટલર 39 રન કરીને ટીમનો હાઈએસ્ટ સ્કોરર રહ્યો હતો. ઓપનિંગ જોડીમાં, એલેસ્ટર કૂકે 29 અને કિટન જેનિંગ્સે 20 રન કર્યા હતા.

પંડ્યાએ ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરના ભૂક્કા બોલાવી દીધા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એણે આ પહેલી જ વાર દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

પાંચ મેચોની સીરિઝ 0-2થી ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ માટે શ્રેણીમાં આ સરસ કમબેક તક બની છે.

પંડ્યા તથા અન્ય ફાસ્ટ બોલરોને નવોદિત વિકેટકીપર રિષભ પંતનો સરસ ટેકો મળ્યો હતો જેણે વિકેટ્સની પાછળ પાંચ કેચ ઝડપ્યા હતા. કારકિર્દીની પહેલી જ ટેસ્ટના એક જ દાવમાં પાંચ કેચ પકડવાની સિદ્ધિ હાંસલ કરનાર પંત પહેલો એશિયન વિકેટકીપર બન્યો છે. એના શિકાર બનેલા ઈંગ્લિશ બેટ્સમેનો છે – એલેસ્ટર કૂક (29), કિટન જેનિંગ્સ (20), ઓલી પોપ (10), ક્રિસ વોક્સ (8) અને આદિલ રશીદ (5). પંત ભારત વતી ટેસ્ટ ક્રિકેટ રમનાર 291મો ખેલાડી બન્યો છે. કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં પાંચ કેચ પકડવાની સિદ્ધિ હાંસલ કરનાર પંત ચોથો ભારતીય વિકેટકીપર છે. અન્ય ત્રણ છે, નરેન તામ્હાણે (પાકિસ્તાન વિરુદ્ધ ઢાકામાં – 1955), કિરણ મોરે ((ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં – 1986) અને નમન ઓઝા શ્રીલંકા વિરુદ્ધ કોલંબો SSCમાં – 2015). લોકેશ રાહુલે ત્રણ કેચ પકડ્યા હતા. એણે પકડેલા ત્રણેય કેચ કિંમતી હતા – કેપ્ટન જો રૂટ, જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સ.

એક જ દાવમાં ઓછા બોલમાં પાંચ વિકેટ લેવાનો ભારતીય વિક્રમ હરભજન સિંહના નામે છે, જેણે 2006માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 27 બોલમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારતના પહેલા દાવમાં કેપ્ટન વિરાટ કોહલીએ 97, વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેએ 81, શિખર ધવને 35, રિષભ પંતે 24, લોકેશ રાહુલે 23, હાર્દિક પંડ્યાએ 18, ચેતેશ્વર પૂજારા અને રવિચંદ્રન અશ્વિને 14-14 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડના ત્રણ બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી – જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ વોક્સ.

રિષભ પંત