ભારતે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું; સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી

મેલબોર્ન – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137-રનથી પછાડી દીધું છે અને ચાર મેચોની સીરિઝમાં 2-1ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ 150મો વિજય થયો છે.

ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 399 રનનો ટાર્ગેટ હતો, પણ ભારતના બોલરોએ ટીમને 261 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારતે પહેલો દાવ 7 વિકેટે 443 રને ડિકલેર કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા દાવમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજો દાવ 8 વિકેટે 106 રને ડિકલેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 258 રનના તેના ગઈ કાલના અધૂરા બીજા આજે આગળ વધાર્યો હતો. પેટ કમિન્સ 61 અને નેથન લિયન 6 રન સાથે દાવમાં હતા. વરસાદને કારણે લંચ પહેલાના સત્રમાં રમત શક્ય બની નહોતી. લંચ પણ વહેલી લઈ લેવામાં આવી હતી. આખરે વરસાદ અટકતાં ભારતીય સમય મુજબ સવારે 7.25 વાગ્યાથી મેચ શરૂ કરવામાં આવી હતી. દાવ શરૂ થયા બાદ ઓસ્ટ્રેલિયાની બાકીની બંને વિકેટ પાડી દેતાં ભારતને માત્ર 4.3 ઓવરની જ જરૂર પડી હતી.

કમિન્સ અને લિયોન આજે લાંબું ટક્યા નહોતા. બુમરાહે કમિન્સ (63)ને પૂજારાના હાથમાં ઝીલાવી દીધો હતો જ્યારે ઈશાંત શર્માની બોલિંગમાં વિકેટકીપર રિષભ પંતે કેચ પકડતાં લિયોનના દાવનો અને એ સાથે ઓસ્ટ્રેલિયાના પડકારનો અંત આવી ગયો હતો. આ બંને બેટ્સમેને ગઈ કાલે 14 ઓવર રમીને ભારતના બોલરોને હંફાવ્યા હતા. મેચ પતાવી દેવા માટે ભારતે ગઈ કાલે અડધો કલાક એક્સ્ટ્રા માગ્યો હતો અને અમ્પાયરોએ તે ફાળવ્યો હતો. તે છતાં કમિન્સ-લિયોન આઉટ થયા નહોતા અને મેચ આજે પાંચમા દિવસમાં પ્રવેશી હતી.

કમિન્સે 114 બોલમાં 63 રન કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો છે. લિયોન 50 બોલ રમ્યો હતો.

બુમરાહે 53 રનમાં 3 અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 82 રનમાં 3 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ 40 રનમાં બે અને મોહમ્મદ શમીએ 71 રનમાં બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ સમાપ્ત કરાવી દીધો છે.

બુમરાહે સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. પહેલા દાવમાં એણે 33 રનમાં 6 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આઉટ કર્યા હતા. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે.

2003-04 બાદ ભારત આ પહેલી જ વાર ઓસ્ટ્રેલિયામાં સીરિઝ નહીં હારે.

ઓસ્ટ્રેલિયા પર એની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં 2-1ની સરસાઈ હાંસલ કરનાર વિરાટ કોહલી બન્યો છે પહેલો જ એશિયન કેપ્ટન.

1977-78ના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં બે ટેસ્ટ જીતનાર કોહલીની આ ટીમ પહેલી જ બની છે. એ વખતે બિશનસિંહ બેદીના સુકાનીપદ હેઠળની ટીમે ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ જીતી હતી.