મેલબોર્ન – ભારત અને ઓસ્ટ્રેલિયા એમની વચ્ચે ચાર-ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચમાં આવતીકાલથી અહીંના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મૈદાને-જંગ ખેલશે. બોર્ડર-ગાવસકર ટ્રોફી માટેની શ્રેણીમાં બંને ટીમ 1-1 મેચ જીતી ચૂકી છે.
ભારતે તેની ઈલેવનની જાહેરાત કરી દીધી છે. કંગાળ ફોર્મ ધરાવતા બંને ઓપનર – લોકેશ રાહુલ અને મુરલી વિજયને પડતા મૂક્યા છે.
લોકેશ રાહુલે વર્તમાન સીરિઝમાં ચાર દાવમાં માત્ર 48 રન કર્યા છે. એનો હાઈએસ્ટ સ્કોર એડીલેડમાં હતો – 44 રન. જ્યારે વિજયે ચાર દાવમાં 49 રન કર્યા છે. એનો હાઈએસ્ટ સ્કોર છે 20 રન.
આ બંને ઓપનરે મળીને પહેલી બે ટેસ્ટમાં માત્ર 95 રનનું યોગદાન આપ્યું હતું.
પસંદગીકારોએ ડાબોડી સ્પિનર, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો છે. જાડેજા ખભાની પીડામાંથી હવે સાજો થઈ ગયો છે. એવી જ રીતે, મયંક અગ્રવાલ એની કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમશે. તે અને હનુમા વિહારી દાવનો આરંભ કરશે એવી ધારણા છે.
જાડેજાએ ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું સ્થાન લીધું છે. અશ્વિનને પેટમાં ડાબી બાજુએ આંતરડામાં દુખાવો છે અને ડોક્ટરોએ એને વધારે આરામ કરવાની સલાહ આપી છે. તેથી પસંદગીકારોએ એને ત્રીજી ટેસ્ટમાં સામેલ કર્યો નથી.
બેટ્સમેન રોહિત શર્મા પર્થ ટેસ્ટ ચૂકી ગયો હતો, પણ તેને પણ હવે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઈલેવનમાંથી બાકાત છે.
કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો અમને પહેલા બેટિંગ કરવા મળશે તો અમારો મુખ્ય ઈરાદો બેટિંગમાં મોટો સ્કોર ખડો કરવાનો રહેશે જેથી અમારા બોલરોને રાહત રહે. તેમજ જો અમારે બાદમાં બેટિંગ કરવાની આવશે તો પણ અમે પરિસ્થિતિ અનુકૂળ મળશે તો રનનો એવો ઢગલો કરી દઈશું કે જેથી અમને ઓસ્ટ્રેલિયા પર એવી મોટી લીડ મળે કે જેથી મેચ જીતવા માટેનો ટાર્ગેટ ઓછો રહે.
કોહલીએ કહ્યું કે મેલબોર્ન ટેસ્ટમાં અમારા બેટ્સમેનો સાથે મળીને રન બનાવે એ જરૂરી રહેશે. આ માટે હું કોઈનું વ્યક્તિગત રીતે નામ નહીં લઉં, કારણ કે બેટિંગ એક યુનિટ તરીકે હોય છે.
બીજી બાજુ, ઓસ્ટ્રેલિયાએ તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે. પીટર હેન્ડ્સકોમ્બની જગ્યાએ મિચેલ માર્શને સામેલ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેઈને કહ્યું કે એના બોલરો સામે મોટી જવાબદારી હતી એટલે પસંદગીકારોએ મિચેલ માર્શને ઈલેવનમાં સામેલ કરવાનું પસંદ કર્યું છે કે જેથી બોલિંગમાં પણ એનો લાભ મળી શકે. હેન્ડ્સકોમ્બ છેલ્લા ચાર દાવમાં માત્ર 34 રન જ કરી શક્યો હતો.
બંને ઈલેવન આ મુજબ છેઃ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાઃ ટીમ પેઈન (કેપ્ટન અને વિકેટકીપર), આરોન ફિન્ચ, માર્કસ હેરીસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લિયોન અને જોશ હેઝલવૂડ.
મેચ ભારતીય સમય મુજબ, સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે.
ચોથી અને સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ 2 જાન્યુઆરીથી સિડનીમાં રમાવાની છે.