કોહલીએ બદલો લીધો; ત્રીજી T20Iમાં કાંગારું ટીમ પર જીત અપાવી સીરિઝ 1-1થી ડ્રોમાં કરી

સિડની – કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 61 રનના જોરે ભારતે આજે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા પર ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 6-વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ શ્રેણી 1-1થી સમાન થઈ ડ્રોમાં પરિણમી છે. ઓસ્ટ્રેલિયા પહેલી મેચ જીત્યું હતું અને બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ભારતના દાવનો સ્કોર 1 વિકેટે 67 રન હતો ત્યારે કોહલી ક્રીઝ પર રમવા આવ્યો હતો અને ટીમ જીત હાંસલ કરી ગૃહ ટીમને સીરિઝ જીતતા રોકે એની એણે પૂરી તકેદારી લીધી હતી.

કોહલીના દાવમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કારકિર્દીમાં આ તેની 19મી હાફ સેન્ચુરી છે. એણે દિનેશ કાર્તિક સાથે 7મી વિકેટ માટે 60-રનની અતૂટ ભાગીદારી કરી હતી. કાર્તિકે 18 બોલમાં 22 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.

165 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતે શિખર ધવન (41), રોહિત શર્મા (23), લોકેશ રાહુલ (14) અને રિષભ પંત (0)ને ગુમાવ્યા હતા.

અગાઉ, ઓસ્ટ્રેલિયાના દાવમાં તમામ બેટ્સમેનોએ અમુક યોગદાન આપતાં એમની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 164 રનનો સમ્માનજનક સ્કોર કરી શકી હતી.

ડાબોડી ઓફ્ફ સ્પિનર કૃણાલ પંડ્યાએ 36 રનમાં 4 વિકેટ લીધી હતી અને કારકિર્દીમાં આ તેનો બેસ્ટ દેખાવ છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. કૃણાલે એક કેચ પણ પકડ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ (28) આઉટ થયો હતો. ડી આર્ચી શોર્ટ 33 રન કરીને ઓસ્ટ્રેલિયાનો ટોપ સ્કોરર રહ્યો હતો.

કૃણાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને શિખર ધવનને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

હવે બંને ટીમ ચાર મેચોની ટેસ્ટ સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડીલેડમાં રમાશે. ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ બંને ટીમ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાશે.