બે તરફી વધઘટ વચ્ચે શેરબજારમાં મજબૂતી, સેન્સેક્સ 63 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં આજે બે તરફી વધઘટ વચ્ચે સામાન્ય મજબૂતી રહી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ સવારે શેરોના ભાવ નીચા ખુલ્યા હતા, શરૂમાં ભારે વેચવાલી ફરી વળી હતી, પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. અને શેરોના ભાવ ઊંચકાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 63.63(0.19 ટકા) વધી 33,314.56 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 12.80(0.12 ટકા) વધી 10,321.95 બંધ થયો હતો.બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, તેમ છતાં બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત પછી ચીન અને અમેરિકા વચ્ચેના સંબધોમાં સુધારો થયો છે. પણ સામે ટ્રમ્પે જાહેર કર્યું છે કે દરેક દેશે નોર્થ કોરિયા સાથેની વેપારી સંબધો કાપી નાંખવા જોઈએ. નોર્થ કોરિયા વચ્ચેની તંગદિલી વધતી જાય છે. જેથી વિશ્વના સ્ટોક માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. ભારતીય શેરબજારમાં હાલ કંપનીઓના પરિણામની મોસમ ચાલી રહી છે, કંપનીઓના પરિણામો ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. જેથી આજે શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આજે આઈઆઈપીના આંકડા જાહેર થવાના છે, તેના પર ઈન્વેસ્ટરોની નજર હતી.

 • એસબીઆઈનો સપ્ટેમ્બર આખરના બીજા કવાર્ટરમાં નફો રૂપિયા 1840 કરોડ આવ્યો છે. જેમાં બજારનું અનુમાન હતું કે એસબીઆઈનો નફો રૂપિયા 2507 કરોડ આવશે, આમ ધારણા કરતાં ઓછો નફો આવ્યો છે. તેમ છતાં એસબીઆઈના શેરમાં ભારે લેવાલી આવી હતી, અને શેરનો ભાવ રૂ.19.45(6.20 ટકા) વધી રૂ.333.20 બંધ રહ્યો હતો.
 • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધીને આવ્યા હતા, જેથી આજે રિલાયન્સના શેરનો ભાવ 2 ટકા ઘટી રૂ.883 બંધ રહ્યો હતો.
 • જસ્ટ ડાયલને ગુગલ ખરીદી રહી છે, અને તે અંગે વાતચીત ચાલી રહી છે, જે સમાચાર વહેતા થતાં જસ્ટ ડાયલના શેરમાં નવી લેવાલીથી 19.79 ટકાનો ઉછાળો આવ્યો હતો.
 • આજે ઓટોમોબાઈલ, ફાર્મા, આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
 • બીજી તરફ બેંક, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડ્યુરેબલ, મેટલ અને પીએસયુ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • રોકડાના શેરોમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 15.23 માઈનસ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 12.45 પ્લસ બંધ હતો.
 • ગુરુવારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 231 કરોડની ખરીદી કરી હતી.
 • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 713 કરોડનું વેચાણ કર્યું હતું.
 • એમ એન્ડ એમનો નફો 22 ટકા વધ્યો હતો.
 • એમઆરએફનો નફો 22.1 ટકા ઘટ્યો
 • બોશનો નફો 16.5 ટકા ઘટ્યો
 • મધરસન સૂમીનો નફો 23.7 ટકા વધ્યો હતો.
 • બેંક ઓફ ઈન્ડિયાનો નફો 41.4 ટકા વધ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]