શેરબજારમાં બીજા દિવસે નરમાઈ, સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત બીજા દિવસે નરમાઈ આગળ વધી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. પણ તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખી હતી. જેથી આજે પીએસયુ બેંક, રિયલ્ટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી શેરોના ભાવ વધુ ઘટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 151.95(0.46 ટકા) ઘટી 33,218.81 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 47(0.45 ટકા) ઘટી 10,303.15 બંધ થયો હતો.

બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ નેગેટિવ હતા, સ્થાનિક નાણા સંસ્થાઓની વેચવાલી આવી હતી. મંગળવારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.2,046 કરોડની ચોખ્ખું વેચાણ કર્યું હતું. આજે બીજા દિવસે પણ ડીઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. તેની સાથે તેજીવાળા ઓપરેટરોએ વેચવાલી કાઢી હતી. પરિણામે શેરબજારની તેજીને બ્રેક વાગી છે. બે દિવસના ઘટાડામાં રોકાણકારોના રૂપિયા 2.42 લાખ કરોડ ડુબ્યા છે. માર્કેટ કેપ આજે 71 હજાર કરોડનો ઘટાડો નોંધાયો હતો.

  • અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેની તંગદિલી વધી રહી છે
  • કંપનીઓના સેકન્ડ કવાર્ટરના પરિણામ મિશ્ર આવી રહ્યા છે
  • નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયું છે, પણ જીડીપી ગ્રોથ સતત ઘટી રહ્યો છે.
  • પીએમ મોદી નોટબંધી પાર્ટ-2 લાવશે, બેનામી સંપત્તિ પર કાયદો કડક કરશે, જેનો બજારમાં ગભરાટ હતો.
  • આજે તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. માત્ર આઈટી અને ટેકનોલોજી સ્ટોકમાં સુધારો આવ્યો હતો.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર વેચવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 126.85 તૂટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 170.38 ગબડ્યો હતો.
  • અરવિંદનો નફો 15.9 ટકા ઘટ્યો
  • ભારત ફોર્જનો નફો 60.50 ટકા વધ્યો
  • અશોક લેલેન્ડનો નફો 13.5 ટકા વધ્યો
  • ઓરિયન્ટલ બેંકે રૂ.1750 કરોડની ખોટ દર્શાવી
  • યુનાઈટેડ બ્રુવરીઝનો નફો 3.5 ગણો વધ્યો