પરીક્ષાના પ્રથમ દિવસે શાળાઓએ ફૂલ- સાકરથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી

અમદાવાદ: ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાની શરૂઆત થઇ ગઇ છે. ધોરણ દશમાં ગુજરાતી, ધોરણ બારમાં ફિઝિક્સ અને અર્થશાસ્ત્રની પરીક્ષા સાથે શરૂઆત.પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકો આવી ગયા હતા. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે શુભેચ્છકો, વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરની કેટલીક શાળાઓએ ફૂલો, સાકર આપ્યા, કપાળે તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.શહેરના વંદેમાતરમ રોડ પર ભાવિન વિદ્યા વિહાર શાળાએ સરસ્વતીની મૂર્તિ મુકી હકારાત્મક વાતાવરણ ઉભું કર્યુ હતું. શાળાના શિક્ષકો એ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને શાકર આપી મોં મીઠું કરાવ્યું. તિલક કરી શુભકામના ઓ આપી હતી. આ સાથે બોક્ષ પણ મુકવામાં આવ્યા છે. જેથી કોઈ કાપલીઓ કે વાંધાજનક ચીજવસ્તુઓ લાવ્યા હોય તો નાંખી મુક્ત થઈ શકે.ધોરણ 10 અને 12ના કેન્દ્રની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિના થાય એ માટે પ્રવેશ નિષેધ કરી દેવાયો છે.શાળાઓમાં પરીક્ષા દરમિયાન વર્ગ અને બહારની ગતિવિધિઓને સુપરવિઝન માટે CCTV કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવા આવી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)