ગુજરાતને વગોવીને મતોનું રાજકારણ કરવું એ કોંગ્રેસનું ચારિત્ર્ય છેઃ પરસોત્તમ રુપાલા

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વિકાસનું એન્જિન છે. ચૂંટણી સમયે જ કોંગ્રેસને ગુજરાત યાદ આવે છે. તીડની જેમ ઉતરી પડેલા કોંગી નેતાઓ ગુજરાત આવીને માત્રને માત્ર ગુજરાત તેમ જ ગુજરાતીઓને બદનામ કરે છે. એમ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રુપાલાએ જણાવ્યું હતું.રુપાલાએ કોંગ્રેસને સવાલ કર્યો હતો કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાને ૧૦ વર્ષ સુધી કેમ મંજૂરી ન આપી ? આજે પણ રાજ્યસભામાં વરિષ્ઠ કોંગી નેતા દિગ્વિજયસિંહ શું કામ નર્મદાનો વિરોધ કરે છે ? તેનું વલણ કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ કરે.

​હાલના ગુજરાતના વાર્ષિક રૂ.૧,૭૧,૦૭૩ કરોડના વાર્ષિક બજેટ વિશે વાત કરતાં રુપાલાએ જણાવ્યું હતુ કે, કોગ્રેસના શાસનમાં ગુજરાતનું બજેટ માત્ર ૧૦ હજાર કરોડ હતું, અત્યારે એક-એક યોજના પર ગુજરાત ૧૦ હજાર કરોડથી વધુ ખર્ચ કરી રહી છે. ગુજરાતનું આટલું મોટું બજેટ જોઇને કોંગી નેતાઓની લાળ ટપકે છે, ગુજરાતની શાણી-સમજુ પ્રજા કોંગ્રેસનો ભ્રષ્ટાચારી પંજો ક્યારેય ગુજરાત પર પડવા દેશે નહી તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રૂપાલાએ ગુજરાતના વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, ૨૦૦૨માં કુદરતી પ્રકોપ, ભૂકંપના કારણે કચ્છ તહેસનહેસ થઇ ગયું હતું. ભાજપાએ એવી આફતોમાંથી અવસર પેદા કરીને કચ્છને બેઠું કર્યુ છે. ૧૦ હજાર રૂપિયે વિઘો વેચાતી કચ્છની જમીન આજે ૧૦ લાખ રૂપિયે વિઘો વેચવા અમારા કચ્છીભાઇઓ આજે તૈયાર નથી. કોંગી નેતાઓ ગુજરાતમાં આવીને ગુજરાતને જ વગોવીને મતોનું રાજકારણ કરે છે, એ જ કોંગ્રેસનું ચારિત્ર્ય છે. ગુજરાતની જનતા આવી ઢોંગી કોંગ્રેસને સારી રીતે ઓળખી ચૂકી છે.

રૂપાલાએ વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોની આવકને ૨૦૨૨ સુધી બમણી કરવાનું બીડુ જ્યારે ભાજપાએ ઝડપ્યુ છે ત્યારે મારે કોંગ્રેસને કહેવું છે કે, ખેડૂતલક્ષી ૯૯ યોજનાઓ જે કોંગ્રેસના શાસનમાં ૦૫ વર્ષથી ૨૫ વર્ષના વિલંબમાં ચાલતી હતી, તેને પુરી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૫૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરી ૨૨ જેટલી યોજનાઓને પૂર્ણ કરી દીધી છે. ૧.૫ લાખ ટન તુવેર દાળ અને ૨ લાખ ટન મગફળી ગુજરાતની રાજ્ય સરકારે ગત વર્ષે ટેકાના ભાવે ખરીદીને આ સદાય કિસાનનું હિત સાચવતી ભાજપા સરકાર ખેડૂતની પડખે ઉભી છે અને આ વર્ષે પણ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૯૦૦ રૂપિયે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રો ખોલી દીધા છે.
નર્મદા યોજનામાં ૪૯ હજાર કિલોમીટર કેનાલનું કામ ભાજપાના શાસનમાં થયું છે, કોંગ્રેસે માત્ર ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર કામ કર્યું હતું. વિવાદ અને વિરોધ વગર નર્મદા યોજના માટે જમીન સંપાદન કરવાનું કામ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની આગેવાનીમાં પૂર્ણ કરાયું હતું તે એક ખૂબ જ મોટી સિધ્ધિ છે તથા પાઇનલાઇન દ્વારા પણ ડ્રીપ ઇરીગેશન થઇ શકે તેવી વ્યવસ્થા તરફ ભાજપા સરકાર આગળ વધી રહી છે.

હાર્દિક અને કોંગ્રેસે ગુજરાતના પાટીદાર સમાજને સ્પષ્ટતા કરવી જોઇએ કે શું પાટીદારોને ઓબીસીમાં સમાવાશે ?
રૂપાલાએ કોંગ્રેસના બતાવવાના અને ચાવવાના જુદા છે તેમ જણાવતાં કહ્યું હતું કે, હજુ તો ગઇકાલે જ કોંગ્રેસના વિપક્ષના નેતાનું પદ શોભાવી રહ્યા છે તેવા મોહનસિંહજી રાઠવાના નિવેદનથી કોંગ્રેસનું પાટીદાર સમાજને ગુમરાહ કરવાનું કેટલાય સમયથી ચાલતું ષડ્યંત્ર ખુલ્લુ પડી ગયુ ંછે.