શેરબજારમાં સુધારો, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અગાઉ સાવચેતી

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સામાન્ય સુધારો આવ્યો હતો. બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, પણ નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો પછી તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. ગ્લોબલ માર્કેટના ન્યૂઝ મિશ્ર હતા. જેથી લેવાલી-વેચવાલીના બેઉ તરફી કામકાજે શેરોના ભાવ પણ બે બાજુની વધઘટમાં અથડાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 32.67(0.10 ટકા) વધી 31,846.89 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 9.05(0.09 ટકા) સુધરી 9988.75 બંધ થયો હતો.

ચાલુ સપ્તાહથી જ કંપનીઓના બીજા કવાર્ટરના પરિણામો આવવા શરૂ થશે. કંપનીઓના જુલાઈથી સપ્ટેમ્બરના અંતે પુરા થયેલા સેકન્ડ કવાર્ટરના પરિણામો નિરુત્સાહી આવવાની ધારણા છે. જેથી તેજીવાળાએ પ્રોફિટ બુકિંગની તક ઝડપી હતી. આજે સાઉથ કોરિયા, જાપાન અને તાઈવાન સ્ટોક માર્કેટ બંધ હતા. હોંગકોંગનો હેંગસેંગ 131 પોઈન્ટ માઈનસ હતો. અને બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું.

  • 22 સપ્ટેમ્બર પછી નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ગયો હતો.
  • આ સપ્તાહે 30 કંપનીઓના સેકન્ડ કવાર્ટરના પરિણામે જાહેર થશે, જેમાં ટીસીએસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સાઉથ ઈન્ડિયા બેંક, ઈન્ડુસઈન્ડ બેંક અને બજાજ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
  • આજે કેપિટલ ગુડઝ, ઓઈલ એન્ડ ગેસ અને પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ ફરી વળી હતી.
  • રોકડાના શેરોમાં મિશ્ર વાતાવરણ હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 6.02 માઈનસ બંધ હતો.
  • જ્યારે રોકડાના નાની કીમતના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 103.80 પ્લસ બંધ હતો.
  • આજે કન્ઝ્યુમર ડયુરેબલ, બેંક, એફએમસીજી અને આઈટી શેરોમાં લેવાલીથી મજબૂતી રહી હતી.
  • ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જનો આઈપીઓ આજે ખુલ્યો છે અને 11 ઓકટોબરે બંધ થશે. તેમાં શેરની પ્રાઈઝબેન્ડ રૂ.1645-1650 છે. શેરની લોટ સાઈઝ 9 શેરની છે. કંપની આઈપીઓ થકી રૂપિયા 1000 કરોડની મૂડી એકઠી કરશે.
  • ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે ટાટા ટેલીસર્વિસીઝની હાલત ખરાબ છે, હવે તેની રીકવરી થવી અસંભવ છે. ચાલુ નાણાકીય વર્ષમાં તેને બંધ કરાશે અથવા વેચી નાખવાનો નિર્ણય લેવાશે. આ સમાચારને પગલે ટાટા ટેલીના શેરમાં 15 ટકાનું ગાબડું પડ્યું હતું.
  • ટાટા પાવરનું દેવું ઓછુ કરવાનું એજન્ડામાં છે.
  • કેન્દ્ર સરકાર નવી ગાઈડલાઈન્સ લાવશે, જે મુજબ માંદી સરકારી કંપનીઓ બંધ કરીને તેની જમીન પર સસ્તા ઘર બનાવવાની યોજના લાવશે.