બજેટના દિવસે શેરબજારમાં તમે શું કરશો? સરકાર મૂડીબજારનો મૂડ બગાડવાનું પસંદ નહી કરે!

શેરબજાર પર બજેટના દિવસે કેવી અસર થશે માત્ર એવું જોવું નહીં, બલકે બજાર માટે ખરેખર બજેટ કેવું છે તે ધ્યાનમાં રાખવું . ઘટે તો ખરીદવાની તક ઉપાડી લેવામાં અને વધે તો નફો બુક કરી લેવામાં સાર રહેશે

સો, આર યુ રેડી ફોર બજેટ? બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, આવતીકાલનું (બજેટના દિવસનું) વાતાવરણ જ કંઈક જુદું હશે. આજે આપણે માત્ર શેરબજારને કેન્દ્રમાં રાખી વાત કરીએ. કારણ કે બજાર આજકાલ બહુ તેજીના મુડમાં છે. અને બજેટ પસો તેને આશા પણ ઘણી છે, જો કે એક ભય બજારને ગંભીર ચિંતામાં મુકી રહયો છે. આ ભય છે લોંગ ટર્મ કેપિલલ ગેઈન ટેકસનો લાભ રદ્ થઈ જવાનો. જો આમ એકદમથી થયું તો બજારની તેજીની આશા પર  તાત્કાલિક ધોરણે પાણી ફરી શકે, કિંતુ તાજેતરમાં મળેલા સંકેત મુજબ સરકાર આવું આકરું પગલું આ સ્તરે નહીં ભરે, કારણ કે આનાથી અમુક મર્યાદિત લેભાગુ વર્ગને કારણે આખી બજારને સજા થઈ જાય એવું બની શકે છે.

લોંગ ટર્મનો લાભ કે ગેરલાભ

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસની મુકિત એ લોકો માટે છે , જેઓ એક વરસથી વધુ સમય માટે શેરો જાળવી રાખીને વેચે છે, આ વેચાણ પર તેમને નફૌ થાય એ કરમુકત રહે છે. કારણ કે તે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ગણાય છે, પણ જો એ જ શેર એક વરસની અંદર જ વેચી દેવામાં આવે તો નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ 15 ટકાના દરે ભરવો પડે છે.

અહીં એક વાત નોંધવી જરૂરી છે કે અમુક પ્રકારના શેરોમાં લેભાગુઓ લોંગ ટર્મ ગેઈનની મુકિતનો ગેરલાભ  લે છે, તેના મારફત કાળા નાણાંને સફેદ બનાવે છે, મની લોન્ડરિંગ જેવી ગેરવાજબી-ગેરકાનુની પ્રવૃતિ પણ કરે છે. કરૂણતા એ વાતની છે કે અમુક કંપનીઓ અને તેના પ્રમોટરો તથા ઓપરેટરો માત્ર અને માત્ર આ જ કામ કરે છે. ઈન્કમ ટેકસ વિભાગ સહિત નાણાં  ખાતાને આ વાતની જાણ છે. સેબી પણ માહિતગાર છે.શેરબજારોએ પણ આ વિષયમાં એકશન લેવા સરકારને અનુરોધ કર્યો છે. જેથી જે-તે શેરોમાં આ ગેરલાભ લેવાય છે તે જ શેરો પુરતું આ લાભ પાછો ખેંચી લેવાની એક શકયતા છે અથવા બીજી શકયતા આ સમયગાળાને એક વરસને બદલે બે વરસનો કરાય એમ પણ બની શકે.

એસટીટીનો બોજ ઘટશે?

શેરબજારોની એક વિનંતી સરકાર સમક્ષ એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ ) પાછોં ખેંચી લેવાની પણ છે. જો આમ થાય તો લોંગ ટર્મનો લાભ પાછોં ખેંચાય એમ બની શકે. કિંતુ જો ખરેખર સરકાર એસટીટીનો બોજ ઘટાડે અને લોંગટર્મ ગેઈનનો લાભ રહેવા દે તો બજારના કુદકા નકકી છે. પણ એસટીટી એ સરકારની બહુ જ  સારી અને નિયમિત ધમધોકાર  આવક છે, પરિણામે એ નાબુદ થવાની શકયતા જણાતી નથી. અલબત્ત, સરકારે કેપિટલ ગેઈનનો ગેરલાભ ઉઠાવનાર  લેભાગુઓને ]ઝબ્બે કરવા અન્ય એકશન લેવી રહી. બાકી તો સરકાર મુડીબજારને મંદ કરવા માગતું નથી, તેથી મુડીબજાર માટે અમંગળ પગલાં લેવાય તેવી શકયતા નહીંવત છે.

બજેટના દિવસની અસર

હવે વાત આવે છે બજેટને દિવસે બજારની ચાલની. આ ચાલના બે દિવસ પહેલાં બજારે કરેકશન આપ્યા છે, નફૌ બુક કર્યો છે. પરંતુ બહું નાના પ્રમાણમાં, જેથી બજેટને દિવસે શું અને કેટલું નેગેટિવ તેમ જ કેટલું પોઝીટિવ છે તેના પર ઘણો આધાર રહેશે. અલબત્ત, આ અસરને શોર્ટ ટર્મ ગણવી સલાહભર્યુ  રહેશે. બાકી તેજીની  ગાડી ધીમી પડી શકે, બંધ તો નહીં જ. આ દિવસે બજાર કોઈ કારણસર ઘટે તો સંભવ હોય તેટલી ખરીદી કરવી, પણ બધી એકસાથે નહીં, અને બજાર વધૈ તો બને તેટલી મર્યાદામાં નફો પણ ઘરમાં લઈ લેવો. કિંતુ બધો નહીં. કેમ કે લાંબા ગાળાની તેજી અકબંધ રહેશે. સરકારના નેગેટિવ પગલાં કોઈ હશે તો એ આકરા રિફોર્મ્સના  હશે, જેની લોંગ અસર સારી જ રહેવાની હશે. આ અપેક્ષિત આર્થિક સુધારા અને શિસ્ત જ  અર્થતંત્રને અને બજારને નવો વેગ આપનારા હશે. વાસ્તે બજાર ઘટે તો પેનિકમાં આવવું નહીં અને વધે તો ઘેલા થવું નહીં. બજારને હવે ગતિ કરતા સંયમની અને સાતત્યની  જરૂર છે. યસ, યાદ રહે,  સ્ટોકસ માટે સિલેકટિવ અભિગમ રાખજો. લાર્જ કેપ અને એ ગ્રુપના તેમ જ સેન્સેકસ અને નિફટીમાં સમાવિષ્ટ શેરો પર જ ધ્યાન આપજો. કંઈ ન સુઝે તો ઈન્ડેકસ ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફંડ) લઈ લેશો. મોદી સરકારનું આ પ્રથમ ટર્મનું આ છેલ્લું બજેટ છે, જયારે કે આઠેક રાજયોની  ચુંટણીઓ માથે છે, અને આવતા વરસે સામાન્ય ચુંટણી પણ ખરી. અર્થાત નારાજ કરવાનું સરકાર માટે કઠિન છે. તેમછતાં આ મોદી સાહેબ છે, એ કંઈક સાવ નવું કરે તો નવાઇ નહીં, જે આશ્રર્ય આપી શકે અને આઘાત પણ.  બાકી તો સમજને વાલે કો ઈશારા કાફી…

(લેખક જાણીતા આર્થિક પત્રકાર છે)