પીએમ મોદી વડનગરવાસીઓના સ્વાગતથી ભાવુક થયા

વડનગર– પીએમ નરેન્દ્ર મોદીએ રોડ શો અને GMRES મેડીકલ કૉલજ અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી જાહેરસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીને આવકારવા વડનગર છેલ્લા એક સપ્તાહથી થનગનતું હતું. વડનગરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જાહેરસભાના મંચ પર આવ્યા ત્યારે મોદી મોદીના નારા અને ભારત માતાની જય સાથેના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ સભાના મંચ પર આવીને ઉપસ્થિત તમામ લોકોને ત્રણ વખત નમીને વંદન કર્યા હતા, ત્યારે સભા સ્થળ પર લાગણીઓથી છલોછલ અને ભાવુક વાતાવરણ સર્જાયું હતું. નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન એવા વડનગરવાસીઓને જોઈને તેમની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા. વડનગરની અગ્રણી સંસ્થાઓએ અને વડનગરના અગ્રણીઓએ પીએમ મોદીનું કંઈકને કંઈક ભેટ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું, અને સમ્માન કર્યું હતું.

વડનગરમાં નરેન્દ્ર મોદીના પડોશીઓ અને તેમના બાળપણના મિત્રોને મળ્યા હતા. તમામ વડનગરવાસીઓ પીએમ મોદી માટે અનોખી ભેટ લાવ્યા હતા, અને મોદીને ભેટ આપીને સમુહમાં તસ્વીરો પડાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ વડનગરવાસીઓને મળવા માટે પુરતો સમય ફાળવ્યો હતો. પીએમ મોદીને મળીને તમામ વડનગરવાસીઓ ભાવવિભોર બન્યા હતા. નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી અને પંકજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના આરોગ્યપ્રધાન શંકરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં જ મેડિકલ કોલેજોની સુવિધા ઉભી થઇ છે જેથી, રાજ્યના યુવાનો માટે રાજ્યમાં જ મેડિકલ શિક્ષણ લઇ શકે તેવી વ્યવસ્થા સર્જાઈ છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં તેમના 13 વર્ષના શાસન દરમ્યાન અનેકવિધ યોજનાઓ દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ કર્યો છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દોઢ દિવસની વડાપ્રધાનની મુલાકાતમાં તેમના હસ્તે ગુજરાતના 12,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ થઇ રહ્યું છે. વડનગરમાં વર્ષો બંધ પડેલ એપીએમસીને ચાલુ કરાશે. નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ થકી વિકાસથી વિરોધીઓના મૂળિયાં ઉખડી ગયા છે.

પીએમ મોદીના હસ્તે મિશન ઈન્દ્રધનુષનો પ્રારંભ કરાયો હતો અને આઈએમટેકનોની મોબાઈલ એપ લોન્ચ કરી હતી.

પીએમ મોદીનું વડનગરમાં સંબોધન

  • પોતાના જ ગામમાં સ્વાગત થાય તેનો આનંદ કંઈક અલગ જ હોય છે.
  • વડનગરવાસીઓએ મારુ સ્વાગત કર્યું છે, હું અપાર સ્નેહથી ગદગદ થયો છું.
  • નતમસ્તક થઈને સૌને નમન કરું છું.
  • આજે હું કંઈ પણ છું, તે આ માટીના સંસ્કાર છે, આ જ માટીમાં રમ્યો છું.
  • હું વડનગરમાં ફર્યો… જૂના મિત્રોને મળ્યો… તમામ જૂની યાદ તાજી થઈ છે.
  • હ્રદયમાં ખુબ આનંદ થયો, આ માટીમાંથી જે ઉર્જા મળ તી હતી, આજે મને એજ ઉર્જા આજે મળી છે
  • હવે હું વધારે મહેનત કરીશ… અને વધુ પુરુર્ષાથ કરીશ
  • વડનગરવાસીઓ માથુ ઊંચું કરીને ફરી શકે તેવું કામ કરીશ
  • વડનગરમાં બોદ્ધ ધર્મ સંકળાયેલો છે, વડનગરનું જૂનું નામ આનંદપુર હતું, તે વિગત ચીનમાંથી મળી છે.
  • ચીનના ફિલોસોફર દ્વારા લખાયેલ નોટમાં વડનગરનો ઉલ્લેખ છે.
  • ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું અમારા અને તમારા સંબધો વર્ષો જૂના છે.
  • ચીનના રાષ્ટ્રપતિએ મને ફિલોસોફરનું લખાણ વાંચીને સંભળાવ્યું હતું.
  • રસીકરણથી વંચિત બાળકોને રસી અપાશે, મિશન ઈન્દ્રધનુષને પોતાનું મિશન બનાવે
  • અટલજીની સરકારમાં આરોગ્યની પૉલીસી બની હતી, તે પછી સરકારોએ કોઈ પૉલીસી બનાવી નથી.
  • ત્રણ વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી આરોગ્યોની પૉલીસીમાં ફેરફાર કર્યા
  • હ્રદય રોગના હૂમલામાં ઓપરેશન દરમિયાન સ્ટેન્ડની કીંમત ઘટાડી
  • મધ્યમ વર્ગના લોકોને સ્ટેન્ડ લગાવવામાં રાહત મળી છે.
  • ડૉકટરોને આહ્વન કરું છું કે દર મહિનાની 9 તારીખે ગરીબ માતા પ્રસુતાની ટ્રીટમેન્ટ ફ્રી કરે… દવાઓ મફત આપે…
  • સ્વાસ્થ્યની ગેરંટી ડૉકટરો પર આધારિત નથી. ખાનપાન પર પણ નથી..
  • સ્વાસ્થ્યની ગેરંટી સ્વચ્છતા પર આધારિત છે, દેશને સ્વચ્છ બનાવો અને નિરોગી રહો
  • આઈએમટેકનોનું નામ બદલીને ટેકો કરવું…. આરોગ્યનો ટેકો છે…
  • શર્મિષ્ઠા તળાવ વડનગરનું હ્રદય છે… શર્મિષ્ઠા તળાવ પર હેંગિંગ બ્રિજ બનાવવાનું સુચન આવ્યું છે..
  • અરે… શર્મિષ્ઠા તળાવ હેંગિગ બ્રિજ બનાવીશું.
  • આને વિકાસ કહેવાય કે નહી… તેમ કહીને પ્રજા સાથે સંવાદ કર્યો
  • હાટકેશ દાદા અને કાશીના મહાદેવે મને ઝેર પચાવવાની તાકાત આપી છે…
  • આથી જ હું આકરામાં આકરા કામ કરીને દેશનો વિકાસ કરીશ.
  • વડનગરવાસીઓના પ્રેમથી હું ભીંજાયો છું…
  • વડનગરવાસીઓ, ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતે પ્રેમ આપ્યો તે બદલે સૌનો આભાર…
  • જય હાટકેશ… ના નારા સાથે સંબોધનનો અંત કર્યો