UP: સીએમ યોગી ‘તાજ’ની મુલાકાતે, 150 કરોડની યોજનાઓનો શિલાન્યાસ

આગરા- તાજમહેલ પર ચાલી રહેલા રાજકીય વિવાદો વચ્ચે આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આગરાની મુલાકાત લીધી છે અને તાજમહલ આવી પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે તાજમહેલ પરિસરમાં ઝાડુ લગાવી સફાઇ અભિયાન કર્યું હતું. સીએમ યોગી આદિત્યનાથ જ્યારે તાજમહેલ પહોંચ્યા ત્યારે પાર્ટી કાર્યકર્તાઓ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી તાજમહલને લઈને રાજકીય નેતાઓના વિવિધ નિદેવનો બાદ યોગીનો આ પ્રવાસ ડેમેજ કંટ્રોલ માનવામાં આવી રહ્યો છે. ભાજપના MLA સંગીત સોમે તાજમહલ પર આપેલા નિવેદન બાદ વિવાદ શરુ થયો હતો. ત્યારબાદ સંગીત સોમે પોતાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા યોગીએ કહ્યું કે, કોણ શું કહે છે એ મહત્વનું નથી. પરંતુ ભારતીયોના લોહી પરસેવાથી બનેલા દરેક સ્મારકની જાળવણી કરવામાં આવે તે જરુરી છે.

ઉત્તરપ્રદેશમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ યોગી આદિત્યનાથ પ્રથમ વખત આગરાની મુલાકાતે ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ તાજમહલ ઉપરાંત ફતેપુર સીક્રી, આગ્રાનો કિલ્લો અને અન્ય સ્મારક પણ જોવા જશે. આ ઉપરાંત યોગી આગ્રા ફોર્ટથી તાજમહેલ વચ્ચે રિવાઈટલાઇસેશન ઓફ શાહજહાં પાર્ક અને ટૂરિસ્ટ વોક વેનો શિલાન્યાસ પણ કરશે.

સૂત્રોનું માનીએ તો આગરા મુલાકાત દરમિયાન સીએમ યોગી તાજ વિવાદનું સમાધાન લાવવા પ્રયાસ કરશે. આ દરમિયાન સીએમ યોગી તાજ પ્રોજેક્ટનો રિવ્યુ પણ કરશે. આપને જણાવી દઈએ કે, તાજ પ્રોજેક્ટ વર્લ્ડબેંકની મદદતી ચાલતો પ્રોજેક્ટ છે. તાજમહલથી લઈને આગરા ફોર્ટ સુધીના 2 કિમીના રસ્તા પર કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી હતી. આ કોરિડોરમાં શોપિંગ ટૂરિસ્ટ કોમ્પલેક્ષ, અમ્યૂઝમેન્ટ પાર્ક અને રેસ્ટોરાં બનાવવાનો પ્રોજેક્ટ છે.