‘અમે 100 ટકા જીતીશું’: યેદિયુરપ્પાને બહુમતી પુરવાર કરી શકવાનો વિશ્વાસ

બેંગલુરુ – કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે સત્તારૂઢ થયાના માંડ બે દિવસ થયા છે ત્યાં બી.એસ. યેદિયુરપ્પાને સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર શનિવારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. રાજ્યના ગવર્નર વજુભાઈએ વાળાએ યેદિયુરપ્પાને બહુમતી પુરવાર કરવા માટે 15-દિવસનો સમય આપ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે એ નિર્ણયને રદબાતલ કરી શનિવારે જ એ સાબિત કરવાનો આદેશ આપ્યો છે.

સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ પાસે ઓછામાં ઓછા 111 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. આજની તારીખે ભાજપ પાસે એટલા સભ્યો નથી. એની પાસે 104 સભ્યો જ છે. તે છતાં 75-વર્ષના લિંગાયત સમુદાયના નેતા યેદિયુરપ્પાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોતે 100 ટકા જીતશે.

યેદિયુરપ્પાએ ગુરુવારે સવારે ત્રીજી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

યેદિયુરપ્પા સામે મોટો પડકાર છે. આ અવરોધ તો જ દૂર થઈ શકે જો તેઓ પક્ષાંતર કરાવે. એટલે કે જનતા દળ (એસ)-કોંગ્રેસ ગઠબંધનના વિધાનસભ્યો રાજીનામું આપે અથવા શનિવારે ગૃહમાં મતદાન વખતે ગેરહાજર રહે.

યેદિયુરપ્પાએ પત્રકારોને કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરીશું. અમને બહુમતી સાબિત કરવા માટે 100 ટકા ટેકો અને સહકાર મળ્યો છે.

224-બેઠકોની વિધાનસભામાં મતદાન 222 બેઠકો માટે યોજાયું હતું. બે સીટ પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. જેડીએસના વડા અને મુખ્ય પ્રધાન પદ માટેના દાવેદાર કુમારસ્વામી બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીતી ગયા છે તેથી એમની પાસે માત્ર એક જ વોટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]