મહારાષ્ટ્ર પછી બધાની નજર હવે કર્ણાટકની પેટાચૂંટણીઓના પરિણામ પર

નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ પછી હવે બધાની નજર કર્ણાટક પર છે, કેમ કે કર્ણાટકની પંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર ભાજપની યેદિયુરપ્પા સરકારનું ભાવિ ટક્યું છે. ભાજપને સરકાર બચાવવા માટે સાત બેઠકોની જરૂર છે, પરંતુ પાર્ટીએ ઓછામાં ઓછી આઠ બેઠકો જીતવા માટે પૂરી શક્તિ કામે લગાડી છે.  ભાજપના નેતાઓ પેટાચૂંટણીની તમામ 15 બેઠકો પર ક્લીન સ્વીપનો દાવો કરી રહ્યાં છે.  બીએસ યેદિયુરપ્પા મંત્રીઓ અને સંગઠન અધિકારીઓ સાથે મતદારક્ષેત્રોમાં દિવસ રાત પડાવ કરી રહ્યાં છે. ભાજપના મહામંત્રી પી. મુરલીધર રાવ કર્ણાટકના પેટાચૂંટણી પ્રભારી તરીકે દેખરેખ રાખી રહ્યા છે. તેઓ ભાજપ કોર કમિટીની બેઠકો લઈને પાર્ટીના નેતાઓને ચૂંટણી મેનેજમેન્ટનો પાઠ ભણાવી રહ્યાં છે

પી. મુરલીધર રાવે કહ્યું કે, ‘પેટા ચૂંટણીઓમાં ફક્ત એક સ્થિર સરકારનો મુદ્દો છે. જનતા ભાજપને મત આપીને બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સ્થિર સરકાર ઇચ્છે છે. કોંગ્રેસ મધ્યગાળાની ચૂંટણીઓમાં જનતાને દબાણ કરવા માંગે છે, જેને પ્રજા સારી રીતે જાણે છે. રાવે તમામ 15 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

કુલ 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) ના કુલ 17 ધારાસભ્યોના રાજીનામાના કારણે ગત જુલાઈમાં કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી હતી.  આ ધારાસભ્યોના રાજીનામાને કારણે બહુમતીનો આંકડો ઘટીને 104 થઈ ગયો અને તે પછી ભાજપે 105 ધારાસભ્યો સાથે સરકાર બનાવી

રાજીનામું આપનારા તમામ ધારાસભ્યોને તે વખતના વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને તેઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં આ ગેરલાયક ધારાસભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી.

ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી કુલ 17 બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. પરંતુ કોર્ટમાં બે બેઠકોના મામલાને કારણે 15 સીટો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. પરિણામો 9 ડિસેમ્બરે આવશે. કર્ણાટકમાં હાલમાં 207 ધારાસભ્યો છે. બહુમતી માટે જરૂરી 104 કરતાં ભાજપ પાસે વધુ 105 ધારાસભ્યો છે. હવે વધુ 15 ધારાસભ્યોની ચૂંટણી બાદ ગૃહની સંખ્યા 222 થશે. આવી સ્થિતિમાં બહુમતી માટે ભાજપને 112 ધારાસભ્યોની જરૂર છે. તેથી, આ પેટાચૂંટણીમાં સાત બેઠકો જીતવા પર ભાજપની યેદિયુરપ્પા સરકાર બહુમતી મેળવશે, પરંતુ ભાજપ ઓછામાં ઓછી આઠ બેઠકો જીતવા માંગે છે.

અન્ય બે ખાલી બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાશે, જે બહુમતી વધારીને 113 કરશે. આવી સ્થિતિમાં ભાજપ આ પેટાચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીની વ્યવસ્થા કરવા માંગે છે. 5 ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે જે બેઠકો પર મતદાન થશે તેમાં ગોકક, કાગવડ, આથણી, યેલાપુરા, હિરેકરુર, રવબેનુર, વિજય નગર, ચિકલબલાપુર, કેઆરપુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લાયૂટ, શિવાજી નગર, હોસાકોટ, હંસુર અને કેઆર પીટ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. કોર્ટમાં મસ્કી અને રાજરાજેશ્વરી એમ બે બેઠકોના મામલાને કારણે હાલ ત્યાં પેટાચૂંટણીઓ યોજાઈ નથી.