વર્લ્ડ ટેલિવિઝન ડે: જાણો ટેલિવિઝનનો રોચક ઈતિહાસ

નવી દિલ્હી: સંચાર માધ્યમોમાં ટેલિવિઝનના મહત્વને ધ્યાનમાં રાખતા દર વર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવે છે.  સૌથી મોર્ડન સ્વરૂપમાં રહેલાં ટીવીનો આવિષ્કાર આજથી 95 વર્ષ પહેલાં થયો હતો. વર્ષ 1924માં બોક્સ, કાર્ડ અને પંખાની મોટરથી ટીવી તૈયાર કરવામાં આવ્યા હતું. તે ટીવીથી આજના સ્માર્ટ ટીવીનો સફર ઘણો લાંબો અને રસપ્રદ છે. રેડિયોના સમયગાળામાં ટીવીની શરૂઆત વિરોધ સાથે થઈ હતી. સમય સાથે ટીવી પ્રત્યે લોકોની રૂચિ વધવા લાગી હતી. વર્ષ 1962માં 41 ટીવી સેટ અને 1 ચેનલ સાથે ભારતમાં તેની શરૂઆત થઈ હતી. વર્ષ 1995 સુધીમાં 7 કરોડ ઘરોમાં ટેલિવિઝિનની સુવિધા પહોંચી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં 21 નવેમ્બર 1997ના રોજ સૌ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવ્યો હતો. હકીકતમાં એ જ વર્ષે 21 નવેમ્બરે પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ 1982માં કલર ટીવીની શરૂઆત થઈ હતી. લોકોમાં ટીવીની લોકપ્રિયતા જોઈને સરકારે વિદેશથી 50 હજાર ટીવીની આયાત કરાવી હતી.

મહત્વનું છે કે, આ ફોરમનો ઉદેશ એવુ મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો જ્યાં સૂચનાના માધ્યમ તરીકે ટીવીના મહત્વની વાત કરી શકાય. એટલું જ નહીં આ મંચનો ઉદેશ બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો પણ હતો કારણ કે, ટીવી ન માત્ર જનમતને પ્રભાવિત કરે છે પણ મોટા મોટા નિર્ણયો પર પર પ્રભાવ પાડે છે.

સોય અને પંખાની મોટરથી બન્યું હતું પ્રથમ ટીવી

ટેલિવિઝનના આવિષ્કારક જોન લોગી બેયર્ડ બાળપણમાં બીમાર રહેવાને કારણે સ્કૂલ જઈ શકતા ન હતા. 13 ઓગસ્ટ 1888માં સ્કોટલેન્ડમાં જન્મેલા બેયર્ડને ટેલિફોન પ્રત્યે એટલી રૂચિ હતી કે તેમણે 12 વર્ષની ઉંમરે પોતાનો ટેલિફોન વિકસાવ્યો હતો. બેયર્ડ એવું વિચારતા હતા કે એક દિવસ એવો આવશે કે લોકો હવાનાં માધ્યમથી તસવીરો મોકલશે. બેયર્ડે વર્ષ 1924માં બોક્સ, બિસ્કિટનું ટિન, સિલાઈ મશીનની સોય, કાર્ડ અને પંખાની મોટરનો ઉપયોગ કરીને ટેલિવિઝનનો આવિષ્કાર કર્યો હતો.

આવી રીતે ઉજવવામાં આવે છે વર્લ્ડ ટેલિવિઝન ડે

વર્લ્ડ ટેલિવિઝન ડેના દિવસે લોકો એકબીજા સાથે મળે છે અને ટીવીને પ્રોત્સાહન આપવાની દિશા પર વાત કરે છે. પત્રકાર,લેખક અને બ્લોગર ટીવીની ભૂમિકા પર ચર્ચા કરે છે. સાથે જ આ દિવસે શાળાઓ અને કોલેજોમાં અતિથિ વક્તાઓને આમંત્રણ આપવામાં આવે છે અને ટીવી અંગે વાત કરવામાં આવે છે. આ દિવસે જૂદા જૂદા સમ્મેલનો, વ્યાખ્યાનો અને સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]