શહીદ પતિની તસવીર 47 વર્ષે જોવા મળી, આમરાદેવીને મળી અનોખી ભેટ…

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં પોતાના પતિને ગુમાવનારી એક મહિલાના ચહેરા પર અચાનક હવે આંસુઓની સાથે ખુશી આવી છે. આ મહિલા ઉત્તરાખંડની રહેવાસી 65 વર્ષની આમરા દેવી છે જેના પતિ સુંદર સિંહ દેશ સેવા કરતા શહીદ થઈ ગયા હતા. તેમને હવે 47 વર્ષ બાદ પોતાના શહીદ પતિની તસવીર જોવાની તક મળી છે. વિજય દિવસ પર તેમને આ ફોટો પ્રશાસન દ્વારા ભેટમાં મળ્યો.

હકીકતમાં આમરા દેવી જ્યારે 18 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન 20 વર્ષના સુંદરસિંહ સાથે થયા હતા. લગ્ન બાદ સુંદરસિંહને યુદ્ધમાં જવું પડ્યું. યુદ્ધ દરમિયાન સુંદરસિંહ શહીદ થઈ ગયા અને તેમના મૃતદેહને પૂર્વી પાકિસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો. હવે આટલા વર્ષો એ શહીદની પત્નીને પોતાના પતિનો એક ફોટો મળ્યો છે. આટલા વર્ષોમાં આમરા દેવી એ પણ ભૂલી ગયા હતા કે પોતાના પતિ કેવા દેખાય છે.

થોડી ધૂંધળો થઈ ગયેલો આ ફોટો પણ આમરા દેવી માટે ખૂબ અણમોલ છે. તેમનું કહેવું છે કે હવે એવું લાગી રહ્યું છે તેઓ ફરીથી મારી સામે જીવિત અવસ્થામાં ઉભા થયા છે. આમરા દેવીએ જણાવ્યું કે મારા નવા-નવા લગ્ન થયા હતા અને મારા મનમાં પણ અન્ય છોકરીઓની જેમ ખૂબ બધા સ્વપ્નો હતા. પરંતુ જ્યારે મારા પતિ શહિદ થયા છે તેવા સમાચાર આવ્યા તો મારા અંદર ઘણુ બધુ મરી ગયું અને તેમને ફરીથી જોવાની ઈચ્છા હંમેશાથી મારા મનમાં રહી.

આમરા દેવીએ જિલ્લા પ્રશાસનને ઘણીવાર આ મામલે જણાવ્યું પરંતુ રેકોર્ડમાં સુંદર સિંહનો કોઈ જ ફોટો નહોતો. પછી તેમણે સૈનિક કલ્યાણ અને પુનર્વાસ વિભાગ પાસેથી મદદ માંગી. વિભાગે તેમના સાથીઓ દ્વારા રેજિમેન્ટના મહારાષ્ટ્ર સ્થિત હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો. ખૂબ મુશ્કેલીઓ બાદ ત્યાંથી એક ગ્રુપ ફોટો મળ્યો જેમાં સુંદર સિંહ પણ હતા. સૈનિક કલ્યાણ બોર્ડનું કહેવું છે કે પહેલા સુંદર સિંહનો ફોટો બનાવવાની કોશીષ કરવામાં આવી હતી પરંતુ આમરા દેવીને પોતાના પતિનો ચહેરો યાદ નહોતો અને ગામના કોઈ લોકોને સુંદર સિંહનો ચહેરો યાદ નહોતો. હવે જ્યારે ફોટો મળી ગયો છે તે આમરા દેવીને તેમના પતીનો સ્પષ્ટ ફોટો બનાવડાવીને આપવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]