દિલ્હી: એર ક્વોલિટી ઈન્ડેક્સ ભયાનક સ્તરે, જાણો ક્યાં સુધી છવાયેલી રહેશે ધૂળ

નવી દિલ્હી- રાજસ્થાનમાંથી આવી રહેલા ધૂળના તોફાનને કારણે દિલ્હી વાસીઓના લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખરાબ વાતારવણને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, દિલ્હીમાં દિવસના સમયે પણ સુર્ય ધુંધળો દેખાય છે. તો દિલ્હી પાસે આવેલા નોઈડામાં તો પરિસ્થિતિ તેનાથી પણ વધુ ખરાબ છે.બુધવારે નોઈડામાં પીએમ 10નું સ્તર 1135 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ સુધરવાની કોઈ શક્યતા નથી.

આપને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં પીએમ 10નું સ્તર 981 અને પીએમ 2.5નું સ્તર 200 છે. જ્યારે નોઈડામાં પીએમ 10નું સ્તર 1135 અને પીએમ 2.5નું સ્તર 444 નોંધાયું છે. જ્યારે ગાઝિયાબાદમાં પીએમ 10નું સ્તર 922 છે અને પીએમ 2.5નું સ્તર 458 નોંધાયું છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆરના ખરાબ હવામાનનું એક કારણ ઈરાન અને દક્ષિણ અફઘાનિસ્તાન તરફથી આવતી ધૂળભરી આંધી છે. જે 20 હજાર ફુટની ઊંચાઈથી રાજસ્થાનમાં થઈને દિલ્હીમાં પ્રવેશ કરે છે. જેથી અહીંનું વાતાવરણ ધૂળભર્યું બન્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી કેટલાક દિવસ સુધી પરિસ્થિતિમાં સુધારો થશે નહીં.

જોકે હવામાન ખાતાએ એમ પણ જણાવ્યું છે કે, 16 જૂન પછી દિલ્હી વાસીઓને ગરમી અને ધૂળના તોફાનથી રાહત મળી શકે છે. કારણ કે દિલ્હીમાં 16 જૂનથી ચોમાસાના આગમનની શક્યતા છે.