2019માં દેશના નવા વડા પ્રધાન કોણ બનશે? અત્યારે એ કહેવું મુશ્કેલ છેઃ બાબા રામદેવ

મદુરાઈ – 2019ની લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટી વિજય મેળવશે? નવા વડા પ્રધાન કોણ બનશે? આ સવાલોનો જવાબ જાણીતા યોગગુરુ બાબા રામદેવ આપી શક્યા નથી. એમનું કહેવું છે કે દેશમાં હાલની રાજકીય પરિસ્થિતિ ઘણી જ મુશ્કેલ બની ગઈ છે તેથી આ સવાલનો જવાબ આપવો કઠિન છે.

બાબા રામદેવ રામેશ્વરમમાં ભારત સ્વાભિમાનની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજરી આપવા માટે ગઈ કાલે અહીં આવી પહોંચ્યા હતા ત્યારે પત્રકારો એમને મળ્યા હતા અને ઉપર મુજબનો સવાલ પૂછ્યો હતો.

રામદેવે સ્પષ્ટતા કરી હતી કે આવતા વર્ષે નિર્ધારિત લોકસભા ચૂંટણીમાં પોતે કોઈ વ્યક્તિનું સમર્થન કરવાના નથી કે કોઈ પાર્ટીનો વિરોધ કરવાના નથી.

રામદેવે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય કોઈ હિન્દુ રાષ્ટ્ર માટેનો પણ નથી, પરંતુ ભારતને આધ્યાત્મિક દેશ બનાવવાનો, આધ્યાત્મિક જગત માટેનો છે. યોગવિદ્યા અને વૈદિક પદ્ધતિઓ દ્વારા આપણે દિવ્ય, સમૃદ્ધ અને આધ્યાત્મિક ભારત બનાવીશું.