કાશીમાં મોદી સામે કોણ? ચર્ચામાં અનેક નામ પણ એક નામ બળવાન…

નવી દિલ્હી- બનારસની હવામાં આજકાલ ચૂંટણીનો રંગ લાગ્યો છે. લોકસભા ચૂંટણી નજીક છે, જેથી દેશની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક પર રાજનીતિ ગરમાઈ છે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ કાશીના પ્રવાસે છે. કાશીવાસીઓ એ વાતને લઈને આશાસ્પદ બન્યા છે કે, વડાપ્રધાનને બનારસ બેઠક પરથી કોઈ હરાવી નહીં શકે, જોકે અહીં વડાપ્રધાન મોદીની સામે કોણ ઉમેદવાર ચૂંટણી લડશે તેને લઈને હાલ દેશમાં કુતુહલ જાગ્યું છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે, મોદીને હરાવવા તો દૂરની વાત છે, પરંતુ અહીંની બેઠક પરથી મોદીને ટક્કર આપવાની કોશિશ પણ કરવી હોય તો, વિપક્ષે સંયુક્ત ઉમેદવાર તરીકે કોઈ બાહુબલી નેતાને ઉભા રાખવા પડશે. હાલ આવા બાહુબલી ઉમેદવાર તરીકે સૌથી વધુ ચર્ચા સંકટમોચન મંદિરના મહંત અને આઈઆઈટી બીએચયુના પ્રોફેસર વિશંભરનાથ મિશ્રાના નામની છે, આ નામ પાછળ તથ્યો પણ છે.

પ્રોફેસર વિશંભરનાથ મિશ્રા ગંગાપુત્રના નામથી જાણીતા સંકટમોચન મંદિરના દિવંગત મહંત પ્રો. વીરભદ્ર મિશ્રાના પુત્ર છે. વીરભદ્ર મિશ્રાની શાખ એક વૈશ્વિક વ્યક્તિત્વ તરીકે રહી છે, અને બનારસના સમાજિક વર્ગમાં પ્રો. વિશંભરનાથ મિશ્રા એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે.

પ્રો. વિશંભરનાથ મિશ્રા

પ્રો. વિશંભરનાથ મિશ્રાનું કહેવું છે કે, હું કોઈ રાજકીય વ્યક્તિ નથી, પરંતુ મને સિસ્ટમ સામે કોઈ ફરિયાદ પણ નથી. બનારસમાં જો કોઈ મુશ્કેલી આવશે તો, કોઈ એ તો આગળ આવવું જ પડશે. અમે પરંપરાઓમાં જીવન જીવનાર લોકો છીએ. પરંતુ છેલ્લા થોડા સમયથી દેશની છવીને બદલવાની વાત કરવામાં આવી રહી છે. મને ઘણું દુ:ખ થયું જ્યારે કોઈ વ્યક્તિએ ભગવાન શિવને જ મુક્ત કરવાની વાત કહી

પ્રો. વિશંભરનાથ મિશ્રાનું માનવું છે કે, જે સાચું બોલવાની હિમ્મત રાખે છે તેમના અવાજને બંધ કરી દેવામાં આવી રહ્યો છે. એ કેટલું મોટું ત્રાસદાયક છે કે, આપણે ડોક્ટર, એન્જિનિયર બનાવતાં બનાવતાં લોકોને ચોકીદાર બનાવવા લાગ્યાં છીએ. એટલે કે, સમગ્ર દેશ ચોકીદાર બની જાય અને જે વ્યક્તિ ન બને તે ચોર? આ દેશ વિચારોની વિવિધતાથી બન્યો છે, કોઈ આપણા વિચારો સાથે સહમત ન હોય તો જરૂરી નથી કે, તે આપણો દુશ્મન હોય. વડાપ્રધાન મોદી સામે મેદાનમાં ઉતરવા અંગે તેમણે કહ્યું કે, જો સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે મને તક મળશે તો હું તૈયાર છું.

વિશંભરનાથ મિશ્રા પહેલા વારાણસી બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતારવાની ચર્ચા હતી, પરંતુ કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે પણ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

પ્રો. દીપક મલિક

સમાજવાદી વિચારક પ્રો. દીપક મલિકનું માનવું છે કે, સમાવેશ અને બહુમતી વચ્ચે આંતરીક સંઘર્ષ ચોક્કસ છે, પરંતુ કાશીમાં બંન્ને સાથે રહે છે. સહઅસ્તિત્વની આ પરંપરાને યથાવત રાખવાની જરૂર છે. દીપક મલિકે કહ્યું કે, પ્રથમ તો એ નક્કી થવું જોઈએ કે, નરેન્દ્ર મોદી સામે તમામ પાર્ટીઓ સાથે મળીને એક ઉમેદવાર આપે, ત્યારબાદ એ નક્કી થશે કે, સૌથી યોગ્ય ઉમેદવાર કોણ હશે.

વધુમાં કહ્યું કે, જેવી રીતે ભીષણ ગરમીથી બચવા માટે મોર અને સાપ, હરણ અન વાઘ એક જ વૃક્ષ નીચે એકસાથે બેસે છે, તેવી જ રીતે કાશીરૂપી તપોવનમાં આંતરિક વિરોધ ભૂલીને તમામે એક સાથે આવવું જોઈએ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]