બિહારમાં નીતિશ કુમાર નહીં, પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશું: LJP

0
990

નવી દિલ્હી- જેમ જેમ 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, NDAમાં સામેલ BJPના ઘટક પક્ષો બેઠકના વિતરણને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. હાલમાં યોજાયેલી કેટલીક પેટા ચૂંટણીઓમાં BJPના પરાજય બાદ વિપક્ષની સાથે સાથી પક્ષો પણ જોડતોડ કરવાની તક શોધી રહ્યા છે. આ જ કારણ છે કે, ગુરુવારે યોજાનારી NDAની મહત્વની બેઠક પહેલાં JDUએ જાહેરાત કરી કે, બિહારમાં નીતિશ કુમાર NDAનો પ્રમુખ ચહેરો બનશે. હવે પ્રશ્ન એ થાય કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી લડનારી BJP શું JDUની આ ઓફરનો સ્વીકાર કરશે?ઉપરોક્ત સવાલ એટલા માટે પણ મહત્વનો બની જાય છે, કારણકે NDAમાં સામેલ બિહારની એક પ્રમુખ પાર્ટી લોક જનશક્તિ પાર્ટીએ (LJP) સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં પણ બિહારમાં નીતિશ કુમાર નહીં પરંતુ નરેન્દ્ર મોદી જ NDAનો પ્રમુખ ચહેરો હશે.

LJPએ જે રીતે નીતિશ કુમારનો વિરોધ કર્યો છે તે જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, લોકસભાની 40 બેઠક ધરાવતા બિહારમાં નીતિશ કુમારને સાધવા BJP માટે આસાન નહીં રહે. આપને જણાવી દઈએ કે, JDUને બિહારમાં ‘મોટા ભાઈ’નો રોલ ભજવવો છે. માનવામાં આવી રહ્યું છે કે, બેઠક અંગે પહેલેથી જ દાવો કરીને પાર્ટી વધુમાં વધુ બેઠકો પોતાની પાસે રાખવાની રણનીતિ અંગે અત્યારથી જ કામ કરી રહી છે.

LJPના સાંસદ ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં NDA સીએમ નીતિશ કુમારને નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગળ કરીને ચૂંટણી લડશે. બે દિવસ પહેલાં જ JDUના નેતા પવન વર્મા અને કે.સી. ત્યાગીએ દાવો કર્યો હતો કે, બિહારમાં આગામી વર્ષે ચૂંટણીમાં નીતિશ કુમાર NDAનું પ્રતિનિધિત્વ કરશે. જોકે કેન્દ્રીય પ્રધાન અને LJPના અધ્યક્ષ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને આ પ્રકારની શક્યતાને નકારી કાઢી છે.

તેમણે જણાવ્યું કે, NDA આગામી લોકસભા ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં જ લડશે અને પીએમ મોદીના નામ પર જ જનતા પાસે મત માગશે. ચિરાગ પસવાને મીડિયાને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવશે તેમાં કોઈ શંકા નથી.