ભાજપના ‘ભીષ્મ પિતામહ’ લાલકૃષ્ણ અડવાણીઃ આજે 92 મો જન્મદિવસ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એલ.કે. અડવાણીનો આજે 92મો જન્મદિવસ છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ તેમના ઘેર જઈને શુભેચ્છા પાઠવી છે. એક સમયના રાજકારણમાં  અટલ-અડવાણીની જુગલબંધીની ચર્ચાઓ હતી. રાજનીતિનું સૌથી મોટું કેન્દ્ર બનેલી કોંગ્રેસની વિરુદ્ધ આ જોડીએ દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસ સરકાર બનાવી અને પૂરા પાંચ વર્ષ શાસન કર્યું. પરંતુ મંદિરના આંદોલન માટે ભારતીય રાજકારણમાં અડવાણીની ભૂમિકા હંમેશા યાદ રહેશે.

અડવાણી એવા પહેલા નેતા છે જે રાડકારણમાં ‘યાત્રાઓ’ ની સંસ્કૃતિ લાવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામમંદિરની માગને લઈને સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી, જેના કારણે દેશના રાજકારણમાં હિન્દુત્વનું રાજકારણ ઉભરી આવ્યું હતું. જો કે, બિહારમાં તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુરમાં તેમની ધરપકડ કરી હતી. આ પગલાંએ લાલકૃષ્ણ અડવાણી અને લાલુપ્રસાદ યાદવ બંનેને રાજકારણના તારલા સાબિત કર્યાં હતા.
શુદ્ધ અને સંસ્કૃત હિન્દી બોલવામાં નિષ્ણાત એવા લાલકૃષ્ણ અડવાણી 20 વર્ષના થયાં ત્યાં સુધી હિન્દી જાણતાં નહોતાં. તેઓ હંમેશા એમ પણ કહેતાં રહ્યાં છે કે તેઓ અટલજીનું ભાષણ સાંભળતા હતાં, ત્યારે  પોતાના વિશે લઘુતા અનુભવતા હતા. ભાજપમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પહેલાં લાલકૃષ્ણ અડવાણીને પીએમ પદનો ચહેરો માનવામાં આવતાં હતા. ભાજપને સંગઠિત કરવામાં અડવાણીની મોટી મહત્વની ભૂમિકા છે, પરંતુ ભાજપ અધ્યક્ષપદ દરમિયાન મુંબઇના અધિવેશન વખતે લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. એવું કહેવામાં આવે છે કે તે સમયે અટલ બિહારી વાજપેયી નારાજ થઈ ગયાં હતાં અને એમ પણ કહ્યું હતું કે તેમણે એકવાર મને પૂછી લીધું હોત. તો અડવાણીએ તેમને જવાબ આપ્યો કે પાર્ટીના અધ્યક્ષ તરીકે તે તેમનો અધિકાર છે.

વાજપેયી અને અડવાણી, બંનેએ ભાજપની સ્થાપનાના ઘણા સમય પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બંનેએ આરએસએસના પ્રચારકો રાજકીય કારકિર્દી તરીકે શરૂ કરી હતી. અટલજી પત્રકારત્વ સાથે જોડાયેલાં હતાં તો લાલકૃષ્ણ અડવાણી પણ ખરાં. અટલજી તેમની ભાષણકલાના આધારે રાજકારણમાં ખૂબ ઝડપી સ્થાન જમાવી રહ્યાં હતાં, ત્યારે અડવાણી રાજસ્થાનના કોટામાં સંઘના પ્રચારક તરીકે કાર્યરત હતાં.

ફાઈલ ચિત્ર

જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અટલ બિહારી વાજપેયીની ભાષણ શૈલીથી ખૂબ પ્રભાવિત હતાં. તેઓ બંને ઈચ્છતા હતા કે અટલ બિહારી વાજપેયી કોઈક રીતે સંસદમાં પહોંચે જેથી સમગ્ર દેશની પ્રજા તેમના ભાષણો સાંભળી શકે. પરંતુ અટલ બિહારી વાજપેયી એલ. કે. અડવાણીને કેવી રીતે મળ્યાં તે વાત પણ રસપ્રદ છે. અટલજી એકસમયે સહાયક તરીકે પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યાં હતાં. મુખર્જી કાશ્મીરના મુદ્દે આખા દેશની મુલાકાત લઈ રહ્યાં હતાં. કોટામાં રહેતાં લાલકૃષ્ણ અડવાણીને જાણ થઈ કે ઉપાધ્યાય આ સ્ટેશનથી પસાર થવાના છે, તેથી તેઓ મળવા આવ્યાં. આ સમયે, મુખર્જીએ બંનેની મુલાકાત કરાવી હતી.