મારો ફોન પણ ટેપ કરાય છેઃ મમતા બેનરજીનો આરોપ

કોલકાતા – સનસનાટીભર્યા આરોપમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવો દાવો કર્યો છે કે એમનાં ફોન પરની વાતચીત ટેપ કરવામાં આવે છે.

બેનરજીએ એમ પણ કહ્યું છે કે પોતાનો આ આરોપ સાબિત કરવા માટે એમની પાસે પુરાવા છે.

મારો ફોન ટેપ થયો હતો. મને એની ખબર છે. કારણ કે મને એની જાણકારી આપવામાં આવી હતી. મારી પાસે એનો પુરાવો છે, એમ બેનરજીએ રાજ્ય સચિવાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.

શું તમે કેન્દ્ર સરકાર સમક્ષ આ બાબત ઉઠાવશો? એ સવાલના જવાબમાં બેનરજીએ કહ્યું કે આમાં ઉઠાવવા જેવી બાબત શું છે? સરકાર બધું જાણે છે. સરકારે જ બધું કરાવ્યું છે. આપણે ત્યાં અભિવ્યક્તિની આઝાદી છે જ ક્યાં? ફોન પર આપણી વાતચીત કોઈને કોઈ સાંભળતું જ હોય છે.

બેનરજીએ કહ્યું કે આપણે એમ સમજતા હતા કે વોટ્સએપ પરના મેસેજિસ ઈન્ટરસેપ્ટ કરી શકાતા નથી, પણ હવે એ પણ બાકાત રહ્યા નથી. લેન્ડલાઈન ફોન અને મોબાઈલ ફોન પણ સુરક્ષિત નથી. આ સંપૂર્ણપણે જાસૂસીનો મામલો છે.

તે છતાં બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ આ પ્રકરણમાં તપાસ કરાવે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ મારફત જાહેર વ્યક્તિઓ પર જાસૂસી કરાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મૂકાયો છે.