બંગાળમાં વધુ એક પુલ દુર્ઘટના, સિલિગુડીમાં નદી ઉપર બનેલો પુલ તૂટ્યો

સિલિગુડી- પશ્ચિમ બંગાળમાં પુલ તૂટવાની દુર્ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ રાજ્યની રાજધાની કોલકાતામાં પુલ તૂટવાને કારણે મોટો અકસ્માત થયો હતો. હવે આજે સિલિગુડીમાં પણ નદી ઉપર બનાવવામાં આવેલો એક પુલ તૂટી પડ્યો છે.શુક્રવારે સિલિગુડીમાં નદી ઉપર બનાવવાનમાં આવેલો એક પુલ તૂટી પડ્યો હતો. આ પુલ રખલગંજ અને માનગંજને જોડતો પુલ છે. જ્યારે પુલ પડ્યો ત્યારે તેના ઉપરથી વાહન પસાર થઈ રહ્યા હતાં. જે ફોટોમાં પણ જોઈ શકાય છે. પુલ પડવાથી તેના ઉપર વાહન ફસાઈ ગયું હતું.

આપને જણાવી દઈએ કે, હજી ગત મંગળવારે જ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મોટો પુલ અકસ્માત થયો હતો. દક્ષિણ કોલકાતામાં ડાયમંડ હાર્બર રોડ પર લગભગ 50 વર્ષ જૂના માજેરહાટ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો.

આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા સાથે જ અનેક લોકો વાહનની અડફેટે આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, વર્ષ 2013 પછી શહેરમાં પુલ ધરાશાયી થવાની આ ત્રીજી મોટી ઘટના છે.