વરસાદ અને બરફવર્ષાથી અનેક રાજ્યોમાં ઠંડીની લહેર, પણ દિલ્હીમાં ગરમી

નવી દિલ્હી: નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે એની સાથે જ દેશના અનેક રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. જોકે, ઉત્તરભારતમાં લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે પણ હજુ કેટલાક સ્થળોએ જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક સ્થળો પર બરફવર્ષાના પણ સમાચાર મળી રહ્યા છે. આગામી કેટલાક દિવસો સુધી ભારતના હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો પર વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે.

IMD દ્વારા 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સૌથી પહેલા જમ્મુ અને કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની સાથે બરફવર્ષા થવાનું અનુમાન છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, પુડુચેરીમાં બુધવારે સવારે જ વરસાદ પડયો હતો.

રિપોર્ટ અનુસાર, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત કેરળ, માહે માં પણ હવામાન ખરાબ થવાનું અનુમાન છે. 28 નવેમ્બરે ઓડિશામાં અને સતત થોડા દિવસો સુધી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ વરસાદ અને હવામાન ખરાબ રહેવાનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે.

હિમાચલમાં બરફવર્ષા

હિમાચલ પ્રદેશમાં હવામાને સંપૂર્ણ રીતે કરવત બદલી લીધી છે. પહાડો સહિત ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યમ ઊંચાઈ વાળા વિસ્તારોમાં રાતે સામાન્ય વરસાદથી સમગ્ર પ્રદેશ ઠંડીની ઝપેટમાં આવી ગયો છે. લાહુલ તેમજ કુલ્લુના પહાળી વિસ્તારોમાં કટકે કટકે બરફવર્ષાનો દોર ચાલુ છે. જિલ્લા કાંગડામાં ધોલાધારના પહાડો પર પણ બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે સમગ્ર ઘાટી ઠંડીની ઝપેટમાં છે.

પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં બરફવર્ષા અને  મેદાની ક્ષેત્રોમાં સામાન્ય વરસાદ શરુ થઈ ગયો છે. વરસાદ, બરફવર્ષાને પગલે જમ્મુ કશ્મીરમાં તાપમાનનો પારો નીચે જતો રહ્યો છે.  જમ્મુ કશ્મીરમાં સવારે પ્રથમ પહોરમાં થયેલા સામાન્ય બરફવર્ષા પછી હજુ સુધી વાદળો છવાયેલા છે. અને સાથે ઠંડીનો પ્રકોપ ચાલુ છે.

કશ્મીરના ઉચ્ચ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ છતાં જમ્મુ કશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાના વાહનોની આવકજાવક ચાલુ છે. મોટા વાહનો કશ્મીરથી જમ્મુ માટે છોડવામાં આવ્યા છે. શ્રીનગર લેહ રાષ્ટ્રીય માર્ગ ખોલવાનો પ્રયત્ન ચાલુ છે પણ આજે થયેલા બરફવર્ષાને કારણે કામકાજ પ્રભાવિત થયું છે. તો પુંછથી કશ્મીરને જોડતો ઐતિહાસિક મુગલ રોડ પણ બંધ છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર રવિવારે સાંજ સુધી મોસમ ખરાબ રહેશે. મોસમના ઉતાર ચઢાવ વચ્ચે બુધવારે જમ્મુ કશ્મીર લેહમાં તાપમાન સામાન્ય કરતા નીચે જોવા મળ્યું હતું.

ઉત્તરાખંડમાં અદભૂદ નજારો

ઉત્તરાખંડમાં હવામાન ખુશનુમા છે. ઉત્તરાખંડની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. કસ્બાઓમાં ભારે બરફવર્ષાને કારણે બદ્રીનાથ મંદિર પર બરફની ચાદર પથરાઈ ગઈ છે. સમગ્ર મંદિર અને આસપાસનો વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે. તો કેદારનાથમાં પણ બરફ પડયો હતો.

દિલ્હીનો હાલ

કાળજા કંપાવતી ઠંડી માટે હજુ દિલ્હીવાસીઓએ ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. વારંવાર સક્રિય થઈ રહેલા પશ્ચિમી ભેજને કારણે આ વખતે ઠંડી તેની રંગત નથી દેખાડી રહી. મંગળવારે તો દિલ્હીમાં લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધારે જોવા મળ્યું.  સ્કાઈમેટ વેધર અનુસાર છેલ્લા 24 કલાર દરમ્યાન હવાની ગતિ ધીમી પડવાની સાથે દિશા પણ બદલાઈને પૂર્વ થઈ ગઈ છે. આના કારણે દિલ્હી એનસીઆરમાં ભેજ વધ્યો છે. હવે શુક્રવારથી હવામાનમાં ફેરફાર થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]