કોર્ટના આદેશ બાદ હવે વિજય માલ્યાની બેંગલુરુની સંપત્તિ પણ જપ્ત કરાશે

નવી દિલ્હી- દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઈડીની અરજી પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (ફેરા) કાયદાના ઉલ્લંઘનના આરોપી વિજય માલ્યાની બેંગાલુરુ સ્થિત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, આ અગાઉ બેંગાલુરુ પોલીસે વિજય માલ્યાની 159 મિલકતોની ઓળખ કરી હતી. પરંતુ કોર્ટનો આદેશ નહીં હોવાને કારણે માલ્યાની આ સંપત્તિ જપ્ત કરવી પોલીસ માટે સરળ નહતી.જોકે હવે પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પછી ઈડી માટે વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવી વધુ સરળ બનશે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં બેંગાલુરુ પોલીસે ઈડીના માધ્યમથી નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં વિજય માલાની સંપત્તિ જપ્ત કરવા અરજી કરી હતી.

મહત્વનું છે કે, આ મામલે ગત 4 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટ વિજય માલ્યાને પહેલેથી જ ભાગેડુ જાહેર કરી ચુકી છે. ઈડીના સમન છતાં હાજર નહીં થવાને કારણે ઈડીએ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવા પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગત વર્ષે 12 એપ્રિલે વિજય માલ્યાને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો.

પરંતુ માલ્યાના કોર્ટમાં હાજર નહીં થવાને કારણે કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. વિજય માલ્યાની ઓફિસ અને ઘરે પણ નોટિસ મોકલવામાં આવી હતી. એટલું જ નહીં છાપાઓમાં પણ જાહેર ખબર આપવામાં આવી હતી. તેમ છતાં વિજય માલ્યા કોર્ટમાં હાજર થયો નહતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]