દત્તક પુત્રી નમિતાએ અગ્નિદાહ આપ્યો; પંચતત્ત્વમાં વિલીન થયા વાજપેયી

નવી દિલ્હી – આધુનિક ભારતના પ્રતિભાશાળી નેતાઓમાંના એક અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના આજે અહીં યમુના નદીના કાંઠે, સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એમના દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ અગ્નિદાહ આપ્યો હતો. એ સાથે જ લોકપ્રિય નેતા વાજપેયી અનંતયાત્રાએ પ્રયાણ કરી ગયા. એ પહેલાં, વાજપેયીની અંતિમ યાત્રા બપોરે ભાજપના અત્રેના મુખ્યાલય ખાતેથી શરૂ થઈ સ્મૃતિ સ્થળ ખાતે પહોંચી હતી જ્યાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સ્મૃતિ સ્થળ ખાતે દિવંગત નેતા વાજપેયીને સશસ્ત્ર દળો તરફથી ગન સેલ્યૂટ આપવામાં આવી હતી. હાજર રહેલા વિદેશી મહાનુભાવો તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય નેતાઓએ વાજપેયીને આખરી પ્રણામ કર્યા હતા, તો સેનાની ત્રણેય પાંખોના વડાઓએ વાજપેયીને આખરી સેલ્યૂટ કરી હતી. આર્મીએ વાજપેયીના પાર્થિવ શરીર પર વીંટાળેલો રાષ્ટ્રધ્વજ વાજપેયીના દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યને સુપરત કર્યો હતો. નમિતા સાથે એમનાં પુત્રી નિહારીકા પણ હતાં.

એ પહેલાં, અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. ભાજપના મુખ્યાલયેથી સ્મૃતિ સ્થળ સુધી 3.6 કિ.મી.ના માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા એમના પ્રધાનમંડળના તમામ સાથીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ પણ જોડાયા હતા. સૌ પગપાળા સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા. પીઢ નેતા વાજપેયીએ લાંબા સમયની બીમારી બાદ ગઈ કાલે સાંજે 5.05 વાગ્યે AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.

એમના પાર્થિવ શરીરને ગઈ કાલે રાતે હોસ્પિટલમાંથી એમના 6-A કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો જ્યાં ગત રાતે અને આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપપ્રમુખ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અનેક રાજકીય હસ્તીઓએ અંતિમ દર્શન કર્યા હતા.

વાજપેયીના નશ્વર દેહ પર રાષ્ટ્રધ્વજ ઓઢાડવામાં આવ્યો છે અને એને કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે. સવારે 9.30 વાગ્યે વાજપેયીના પાર્થિવ શરીરને ભાજપના મુખ્યાલય ખાતે અંતિમ દર્શન માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી બપોરે 1 વાગ્યે અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી.

સવારે, નિવાસસ્થાનની બહાર પણ વાજપેયીના પ્રશંસકો, હિતેચ્છુઓએ દિવંગતના અંતિમ દર્શન કરવા માટે લાઈન લગાવી હતી.

વાજપેયીના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સાત દિવસ દરમિયાન કોઈ રાજકીય કે સરકારી સમારંભોનું આયોજન નહીં કરાય. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.

યમુના નદીના કાંઠે સ્મૃતિ સ્થળે અંતિમ સંસ્કાર

વાજપેયીના દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને એમનાં પુત્રી નિહારિકા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]