“2019ની ચૂંટણીમાં સાથ ઈચ્છતા હોય તો ગઠબંધન ધર્મ નિભાવો”

લખનઉ- ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના સમર્થનથી સમાજવાદી પાર્ટીને મળેલી જીત બાદ પાર્ટી નેતાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. ત્યારબાદ આગામી વર્ષે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં સપા-બસપાએ સાથે મળીને રાજકીય મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધન યથાવત રહેશે. કોંગ્રેસ પર ટકોર કરતા અખિલેશ યાદવે કહ્યું કે, જો કોંગ્રેસ સાથે આવવા ઈચ્છે તો તેણે ગઠબંધન ધર્મનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને સપાએ ગઠબંધન કર્યું હતું. પરંતુ સપાને રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

અખિલેશ યાદવે કહ્યું કે, ગોરખપુર અને ફૂલપુરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ અમારી સાથે કોઈ જ સલાહ કે વિચાર વિમર્શ કર્યું નહતું. પેટા ચૂંટણી લડવાનો કોંગ્રેસનો નિર્ણય એકતરફી હતો. અખિલેશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધનનો ભાગ બનવા ઈચ્છતી હોય તો કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન ધર્મનું પાલન કરવું પડશે.