ઉન્નાવની પીડિતાના પિતાનો આક્રોશઃ એ નરાધમોને ગોળી મારી દો

ઉન્નાવઃ ઉન્નાવની રેપ પીડિતાના પિતાની માંગ છે કે તેની દીકરી સાથે જેણે દુષ્કર્મ કર્યું છે તેના આરોપીઓને એવી જ રીતે ગોળી મારી દેવી જોઈએ કે જેવી રીતે તેલંગાણા પોલીસે રેપના ચાર આરોપીઓને મારી દીધી. પીડિતાએ શુક્રવારના રોજ સાંજે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. પીડિતાના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું સરકાર અને પ્રશાસન પાસેથી એ જ ઈચ્છું છું કે જેવું હૈદરાબાદમાં થયું તેવું જ ઉન્નાવ રેપ કેસના આરોપીઓ સાથે થવું જોઈએ અથવા તો તેમને ગોળી મારી દેવી જોઈએ.

પીડિતાને ગુરુવારના રોજ વધારે સારી સારવાર થઈ શકે એટલા માટે તેને લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. આ હોસ્પિટલમાં પીડિતા માટે એત અલગ આઈસીયૂ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરોની એક ટીમ સતત તેની દેખરેખ કરી રહી હતી. પરંતુ આખરે અથાગ પ્રયત્નો છતા પીડિતાને બચાવી ન શકાઈ. બીજી તરફ રેપ પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે અમારી દિકરીને આગના હવાલે કરવામાં આવ્યા બાદ સતત પરિવારને ધમકી આપવામાં આવી રહી છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને આગના હવાલે કરવામાં આવતા પહેલા તેની સાથે મારપીટ કરાઈ હતી. હુમલો કરનારા એ જ લોકો હતા કે જેના પર તેની સાથે રેપ કર્યાનો આરોપ હતો. પીડિતા પોતાના મામલે કોર્ટની સુનાવણી માટે રાયબરેલી જઈ રહી હતી, ત્યારે જ પાંચ લોકોએ તેને ઘેરી લીધી અને બાદમાં તેને આગના હવાલે કરી દેવામાં આવી હતી. જ્યારે પીડિતાને દિલ્હી શિફ્ટ કરવામાં આવી ત્યારે રસ્તામાં તે બેભાન હતી. તેણે પાંચેય આરોપીઓની ઓળખ કરતા પોલીસને નિવેદન આપ્યું હતું.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે રાયબરેલી માટે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન જઈ રહી હતી. આ પાંચ લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે મને ઘેરી લીધી અને બાદમાં આ લોકોએ પહેલા ડંડાથી મને મારી અને પછી મારા પર ધારદાર ચપ્પાથી ઘા કર્યો. ત્યાર બાદ તેમણે મારા પર પેટ્રોલ છાંટીને મને આગના હવાલે કરી દીધી. સાથે જ તેમણે જણાવ્યું કે જ્યારે મેં બુમો પાડવાની શરુ કરી તો લોકો એકત્ર થઈ ગયા અને પોલીસને બોલાવવામાં આવી.