ભારતે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી 3.8 કરોડ ડોલર લેવાના બાકી છેઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રે શાંતિ રક્ષા અભિયાનો માટે ભારતને માર્ચ 2019 સુધી 3.8 કરોડ રુપિયા ચૂકવવાના છે. જે કોઈપણ દેશને ચૂકવવાની થતી સૌથી વધુ રકમ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ મામલે જાણકારી આપતાં વર્લ્ડ બોડીની ખરાબ થતી નાણાકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. વર્લ્ડ બોડીની નાણાકીય સ્થિતિમાં સુધારા પર પોતાના રીપોર્ટમાં તેમણે કહ્યું કે 31 માર્ચ 2019 સુધી સૈનિક અને પોલીસના રુપમાં યોગદાન આપી રહેલા દેશોને ચૂકવવામાં આવનારી કુલ રકમ 26.5 કરોડ ડોલર છે.

આમાં સંયુક્ત રાષ્ટ્રને 3.8 કરોડ ડોલર ભારતને ચૂકવવાના છે. ત્યારબાદ રવાંડા(3.1 કરોડ ડોલર), પાકિસ્તાન (2.8 કરોડ ડોલર). બાંગ્લાદેશ (2.5 કરોડ ડોલર), અને નેપાળ (2.3 કરોડ ડોલર) ને બાકી નાણા ચૂકવવાના છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતીમાં સૈનિક અને પોલિસનું યોગદાન આપનારા દેશોની બાકી રકમ જૂન 2019 સુધી 58.8 કરોડ ડોલર સુધી વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનની નાણાકીય સ્થિતિ ખાસરુપે ચૂકવણી ન કરવી અથવા તેમાં મોડું થવું તે ચિંતાનો વિષય છે.