રામ મંદિરમાં વિલંબ 2019ની ચૂંટણીમાં ભાજપની હાર લાવી શકે છેઃ કેન્દ્ર સરકારને ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

0
1957

અયોધ્યા – ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યા નગરમાં ભવ્ય રામ મંદિરના બાંધકામ મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર પર દબાણ વધારીને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી સરકાર આ વખતે વચનનું પાલન કરવામાં ઢચુપચુ થઈ તો 2019ની લોકસભા ચૂંટણીમાં એ સત્તા પર આવી નહીં શકે.

રામ મંદિરના બાંધકામ મુદ્દે પોતાની પાર્ટીના વલણ વિશે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે ઠાકરે એમના પત્ની રશ્મી અને પુત્ર આદિત્યની સાથે અયોધ્યાના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે સવારે એમણે નગરના વિવાદાસ્પદ રામ મંદિર સ્થળે રામલલાનાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

ઠાકરેએ કહ્યું કે ‘સરકાર બને કે ન બને, મંદિર જરૂર બનવું જોઈએ.’ એમણે વધુમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો મુદ્દો એકલા ભારતના જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓની લાગણી સાથે સંકળાયેલો છે એટલે હિન્દુઓની લાગણી સાથે રમત રમવી ન જોઈએ. તેથી આ મંદિર બાંધવામાં હવે વિલંબ થવો ન જોઈએ.

ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે એમ કહ્યું હતું કે કેટલાક લોકો ચૂંટણી વખતે ‘રામ-રામ’ નારા લગાવે છે અને પછી ‘આરામ’માં જતા રહે છે.

ઠાકરેએ એવો સવાલ કર્યો હતો કે, ‘ક્યાંક રામ મંદિરનો મામલો પણ દેશના દરેક નાગરિકના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાના વચન જેવો ભાજપનો ‘ચૂંટણી જુમલો’ તો નથીને?’

ઠાકરેએ કહ્યું કે જો અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો મુદ્દો ન્યાયતંત્ર પર છોડવો હોય તો દર વખતે ચૂંટણી વખતે રામ મંદિરનો મુદ્દો ઉપાડીને લોકોને મૂરખ બનાવવાનું બંધ કરવું જોઈએ.

ઠાકરેએ કહ્યું કે અમારી પાર્ટી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બંધાય એ માટે પ્રતિબદ્ધ છે. જો કેન્દ્ર સરકાર મંદિર બાંધકામ માટે કોઈ કાયદો કે વટહૂકમ લાવે તો અમારી પાર્ટી એને પૂરો ટેકો આપશે.

ઠાકરેએ આજે સવારે લગભગ અડધો કલાક સુધી ભગવાન રામના બાળસ્વરૂપ રામલલાનાં દર્શન કર્યા હતા. એ વિશે એમણે કહ્યું કે રામલલાની મૂર્તિનાં દર્શન કરતી વખતે પોતાને આંતરિક શાંતિની અનુભૂતિ થઈ હતી, પરંતુ ભગવાન જેલમાં પડ્યા હોય એવું પણ થયું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કહે છે કે એ સ્થળે મંદિર હતું, છે અને રહેશે, પણ મારો સવાલ છે કે મંદિર છે તો દેખાતું કેમ નથી? એ દેખાય એ માટે ભાજપની સરકાર ક્યારે કાયદો લાવશે?અયોધ્યામાં સુરક્ષાનો કડક બંદોબસ્ત
શિવસેનાનાં યુવા નેતા અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ શિવસેનાની અયોધ્યા શાખાનું ઉદઘાટન કર્યું.