યુપી ATSએ દેવબંધમાંથી જેશ-એ-મોહમ્મદના બે આતંકીની કરી ધરપકડ

લખનૌ- ઉત્તર પ્રદેશ એટીએસે સહારનપુરના દેવબંધમાંથી બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને આતંકીઓ જેશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુપીના ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, એક આતંકી શહનવાઝ અહમદ તેલી કશ્મીરના કુલગામનો રહેવાસી છે, અને તે જેશ-એ-મોહમ્મદનો સક્રિય સભ્ય છે. જ્યારે અન્ય એક આતંકી અહમદ મલિક પુલવામાનો રહેવાસી છે. આ બંનેએ પોતાને વિદ્યાર્થી તરીકેની ઓળખ આપીને ત્યાં રહેતા હતાં. પોલીસ આ આંતકીઓનો પુલવામા અટેક સાથે સંબંધ હોવાની દિશામાં તપાસ કરી રહી છે.

ડીજીપીએ વધુમાં જણાવ્યું કે, શહનવાઝને આતંકી સંગઠન તરફથી ભjતીની કામગીરી સોંપવામાં આવી હતી. જેના માટે શહનવાઝ ઘણી વખત દેવબંધ આવી ચૂક્યો હતો. છેલ્લાં ઘણા સમયથી પોલીસની ટીમ બંને આતંકીઓ પર નજર રાખી રહી હતી. શહનવાઝને ગ્રેનેટ એક્સપર્ટ માનવામાં આવે છે.

પોલીસે કહ્યું કે, બંને આતંકીઓ કોઈ કોલેજ કે ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન વગર પોતે વિદ્યાર્થી હોવાની ઓળખ આપીને ત્યાં રહેતાં હતાં. પોલીસને આ બંને પાસેથી 32 બોરના બે તમંચા અને અંદાજે 30 કારતૂસ મળ્યાં છે. આ ઉપરાંત તેમનો જેહાદીમાં કરેલ ચેટ પણ પોલીસને હાથ લાગ્યો છે. તેમ જ ફોટો અને વિડિયો પણ તેમની પાસેથી મળી આવ્યાં છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બંને આતંકીઓની ગઈકાલે રાતે ધરપકડ કરવામાં આવી હતી. બંનેને લખનૌ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ દ્વારા કસ્ટડીની માગ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, હવે વધુ પૂછપરછમાં એ વાતની જાણકારી લેવામાં આવશે કે, આ બંનેએ કેટલા લોકોને આતંકી સંગઠનમાં ભરતી કર્યાં છે, અને તેમનું ફંડિંગ કોના દ્વારા કરવામાં આવી રહ્યું હતું. યુપી પોલીસ આ મામલે જમ્મુ-કશ્મીર પોલીસ સાથે સતત સંપર્કમાં છે.