ત્રિપુરા વિધાનસભા: સઘન સુરક્ષા વચ્ચે આજે 60 બેઠક માટે મતદાન

અગરતલા- ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. રાજ્યની 60 વિધાનસભા બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ બેઠકો ઉપર EVM દ્વારા મતદાન કરાવવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતગણતરી ત્રીજી માર્ચે હાથ ધરવામાં આવશે.ત્રિપુરાની સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી હોવાને કારણે મતદાનમાં કોઈ ગડબડી સર્જાય નહીં તે માટે મતદાન મથકો ઉપર સુરક્ષા જવાનો પહેલેથી જ તહેનાત કરી દેવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પણ નવો ઉત્સાહ લઈને આવી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા આ વખતે આક્રમક પ્રચાર કરવામાં આવ્યો છે. ભાજપને આ ચૂંટણીમાં સારા પ્રદર્શનની આશા છે.

વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મતની ટકાવારી 1.87 હતી. પરંતુ વર્ષ 2014થી પાર્ટીએ ત્રિપુરામાં સતત મહેનત કરીને પોતાની સ્થિતી મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમા પગાર પંચના અમલ કરવાનું ચૂંટણી જનસભા દરમિયાન વચન આપ્યું હતું. તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ સતત સક્રિય જોવા મળ્યા છે.

ત્રિપુરાના વર્તમાન મુખ્યપ્રધાન માણિક સરકાર જણાવે છે કે, રાજ્યમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી સારી છે. આ વખતની ચૂંટણીમાં રાજ્યના આદિવાસી લોકોની ભૂમિકા પણ મહત્વની માનવામાં આવે છે. ત્રિપુરાની વર્તમાન વિધાનસભાની મુદત 6 માર્ચ 2018ના રોજ પૂર્ણ થઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]