સીલિંગ મુદ્દે ‘દિલ્હી સીલ’, વેપારી સંગઠનોએ આપ્યું 48 કલાક બંધનું એલાન

નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં દુકાન સીલિંગને લઈને કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે શુક્રવારે DDAની એક બેઠક યોજાઈ ગઈ. જેમાં કેટલાંક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતાં. દિલ્હીમાં હવે FAR (ફ્લોર એરિયા રેશિયો) 180થી વધારી 300 કરવામાં આવ્યો છે. ઉપરાંત 12 મીટરથી વધુ પહોળા રસ્તા પર બનાવવામાં આવેલા ગોડાઉન નિયમિત કરવામાં આવ્યા છે. કન્વર્ઝન ચાર્જ ઉપર પેનલ્ટીની રકમ 10 ગણાથી ઓછી કરી 2 ગણી રાખવામાં આવી છે. મહત્વનું છે કે, FARમાં વધારો કરવાને કારણે બેઝમેન્ટ સીલિંગની રેન્જમાંથી બાકાત થઈ જશે.રાજધાનીમાં સીલિંગનો મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આ મુદ્દાને લઈને રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. તો કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો.

દિલ્હીમાં વેપારી સંગઠનોએ સીલિંગના વિરોધમાં 48 કલાક દિલ્હી બંધનું આહ્વાન આપ્યું છે. એક અંદાજ મુજબ દિલ્હી બંધ દરમિયાન 7 લાખ વેપારીઓ જોડાશે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખશે. ઉપરાંત 5 હજાર જગ્યાઓ પર પ્રદર્શન પણ કરવામાં આવશે. આ બંધનું એલાન ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન દ્વારા આપવામાં આવ્યું છે.

સીલિંગના વિરોધમાં વેપારીઓ દ્વારા ક્યાંક કેન્ડલ માર્ચ કરવામાં આવ્યો, તો ક્યાંક રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દિલ્હીના વેપારીઓનો આરોપ છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું બહાનું બનાવીને દિલ્હી નગર નિગમ 1957ના કાયદાના મૂળભૂત નિયમોને નેવે મૂકીને સીલિંગની કાર્યવાહી કરી રહ્યું છે.