ભારતમાં Tik Tok પર પ્રતિબંધ, હવે નહીં થઈ શકે ડાઉનલોડ!

નવી દિલ્હી- ભારતમાં ખુબજ જડપી લોકપ્રિય બનેલી વિડીયો એપ્લિકેશન ટિકટોક(Tik Tok) ગૂગલે ભારતમાં બ્લોક કરી દીધી છે. ગૂગલએ મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતા આ નિર્ણય લીધો છે. એટલે કે, હવે ગૂગલ પ્લે સ્ટોર અને એપલના પ્લે સ્ટોર પરથી Tik Tok એપ ડાઉનલોડ નહીં થઈ શકે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયએ ગૂગલ અને એપલને પોતાના એપ્લિકેશન સ્ટોર્સ પરથી ચીનની આ વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિક ટોકને દૂર કરવા કહ્યું હતું.

મદ્રાસ હાઈકોર્ટના મદુરાઇ ખંડપીઠે 3 એપ્રિલના રોજ કેન્દ્રને મોબાઇલ એપ્લિકેશન ‘ટિક ટોક’ પર પ્રતિબંધ મુકવાની સૂચના આપી હતી. મદ્રાસ હાઈકોર્ટે આવી એપ્સ દ્વારા ‘અશ્લીલ અને અયોગ્ય સામગ્રી’ પૂરી પાડવાની ચિંતા વ્યક્ત કરી હતી. ટિક ટોકએ આ આદેશને ભેદભાવપૂર્ણ અને મનસ્વી ગણાવ્યો છે. પોતાના બચાવમાં કંપનીએ કહ્યું કે, તેને અશ્લીલ અને અયોગ્ય સામગ્રી માટે જવાબદાર ગણાવી શકાય નહીં.

એક વ્યક્તિ દ્વારા ટિક ટોક પર પ્રતિબંધ મુકવા માટે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો.

પરંતુ ગૂગલે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખી પ્લેસ્ટોરમાંથી ટિક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે ચીનની વીડિયો એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ મૂકવાના મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચ 23 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, ટીકટોક એપ છેલ્લા એક વર્ષમાં ખાસી એવી લોકપ્રિય થઈ છે. કંપનીએ પહેલા તેને મ્યૂઝિકલીના નામથી લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ટિક ટોક (Tik Tok) કરી દીધું હતું.