વાઘણ ‘અવનિ’નાં મોતનો વિવાદઃ શાર્પ શૂટરને કાયદેસર રીતે રોકવામાં આવ્યો હોવાનો દાવો

મુંબઈ – મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના જંગલમાં અવનિ અથવા T1ના સાંકેતિક નામની વાઘણને ગયા શુક્રવારે ઠાર કરવામાં આવ્યા બાદ ભારે ઉહાપોહ મચી ગયો છે. તેના પ્રત્યાઘાતમાં, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે વાઘણને શોધી એને ઠાર કરવા માટે વિવાદાસ્પદ શાર્પ શૂટર શફથઅલી ખાનને રોકવાનો નિર્ણય ગેરકાયદેસર નહોતો, કારણ કે મહારાષ્ટ્રના વનવિભાગના વડાએ એને તેમ કરવાની સત્તા આપી હતી.

વાઘણ અવનિએ છેલ્લા દોઢેક વર્ષમાં જંગલ વિસ્તારમાં 13 જણનો ભોગ લીધો હતો, પરિણામે એને ખતમ કરવાની માગણી ઊભી થઈ હતી.

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ જોકે વાઘણને ઠાર મારવા તરફ દોરી ગયેલા બનાવો અંગે વિગતવાર અહેવાલ મગાવ્યો છે. એ અહેવાલના આધારે રાષ્ટ્રીય સંસ્થા આ બાબતમાં યોગ્ય પગલું ભરશે.

વાઘણ અવનિના મૃતદેહના પોસ્ટ-મોર્ટમની પ્રક્રિયા પર દેખરેખ રાખવા રાષ્ટ્રીય સંસ્થાએ તેના નાગપુર સ્થિત પ્રાદેશિક અધિકારીને સૂચના આપી છે અને એમની પાસેથી જ અહેવાલ મગાવ્યો છે.

NTCA સંસ્થાના સેક્રેટરી અને એડિશનલ ડાયરેક્ટર જનરલ અનુપ કુમાર નાયકે કહ્યું છે કે કોઈ પણ જંગલી પ્રાણીને ઠાર કરવાનો નિર્ણય આખરી પગલાં તરીકેનો હોય છે.

T1 વાઘણને જંગલમાં શોધવાના છેલ્લા અનેક મહિનાઓથી પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ એમાં સફળતા મળી નહોતી. એ પાંઢકવડા ગામ નજીકના જંગલમાં એનાં બચ્ચાંઓ સાથે ઘૂમતી હતી, પરંતુ મહારાષ્ટ્રના વનવિભાગના અધિકારીઓ એને શોધવામાં અને પકડવામાં નિષ્ફળ ગયા હતા. ગયા ઓગસ્ટ મહિનાથી એમણે 200 જેટલા લોકોને કામે લગાડ્યા હતા, પણ વાઘણ પકડાઈ નહોતી. આખરે એમણે શફથ અલી ખાનના પુત્ર અસગર, જે પણ શાર્પ શૂટર છે, એની મદદ લેવામાં આવી હતી.

પ્રોજેક્ટ ટાઈગરના ભૂતપૂર્વ વડા રાજેશ ગોપાલે વાઘણ અવનિને શોધવાની આખી પ્રક્રિયાને બિનવ્યાવસાયિક તરીકે ઓળખાવી વખોડી કાઢી છે અને શફથઅલી ખાનને રોકવાના નિર્ણયની ટીકા કરી છે.