દિલ્હીમાં ધૂળના વાવાઝોડાની એન્ટ્રી; અનેક રાજ્યોને ખરાબ હવામાન માટે એલર્ટ કરાયા

નવી દિલ્હી – રાષ્ટ્રીય પાટનગર દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ધૂળના વાવાઝોડાની ગઈ કાલે રાતે જ એન્ટ્રી થઈ ગઈ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા થઈને દિલ્હીમાં વાવાઝોડું પહોંચી ગયું છે. એને કારણે પવન તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે.

ધૂળની ડમરી ઉડાડતા પવનને કારણે ઉષ્ણતામાનનો પારો નીચે ઉતરી ગયો છે.

દિલ્હીમાં કલાકના 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આજે ભારે વરસાદ પડવાની આગાહી છે.

અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખંડિત થવાથી અને ઝાડ ઉખડી જવાને કારણે વિમાન સેવાને માઠી અસર પહોંચી છે. અનેક ફ્લાઈટ્સ મોડી પડી છે.

દિલ્હી સરકારે દિલ્હીમાં આજે સાંજની (સેકન્ડ શિફ્ટની) તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં ધૂળની તેજ ડમરી ઊડી છે. સાથોસાથ ભારે વરસાદ પણ પડી રહ્યો છે.

દેહરાદૂનમાં ધૂળના વાવાઝોડા, ભારે વરસાદને કારણે વીજળીના થાંભળા, ઝાડ ઉખડી ગયા