ભયંકર ઠંડીએ ઉત્તર ભારતને થીજવ્યુઃ દિલ્હી 118 વર્ષમાં સૌથી ઠંડુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં આ વર્ષે જે ઠંડી પડી રહી છે તે ઐતિહાસિક છે. આ ડિસેમ્બર મહિનો છેલ્લા 100 વર્ષનો બીજો સૌથી ઠંડો ડિસેમ્બર બનવા જઈ રહ્યો છે. 1901 થી 2018 સુધી માત્ર ચાર વાર ડિસેમ્બરનું અધિકતમ સરેરાશ તાપમાન 20 ડિગ્રીથી નીચે ગયું છે. આ વર્ષે આ 26 ડિસેમ્બર સુધી 19.85 ડિગ્રી છે, જ્યારે 31 ડિસેમ્બર સુધી આ લગભગ 19.15 ડિગ્રી જેટલું રહી શકે છે. શીત લહેરનો આ પ્રકોપ અત્યારે 30 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. શુક્રવારના રોજ દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 4.2 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.

હાડ થીજવતી ઠંડીને ધ્યાને રાખતા અને ગાઢ ધુમ્મસને જોતા હવામાન વિભાગે 29 ડિસેમ્બર સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યૂપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દિધું છે. આ શીતલહેરના 11 મા દિવસે સફદરજંગ હોસ્પિટલ પાસે મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી, પાલમમાં 11.8 ડિગ્રી અને દિલ્હી યૂનિવર્સિટીમાં 12.6 ડિગ્રી રોકોર્ડ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને લઈને વિઝીબલીટી સવારે 8.30 વાગ્યે 700 મીટર હતી. સાવ ઓછી વિઝીબલીટીને લઈને ટ્રેનોની જાવાજાહી અને વિમાનોનું સંચાલન પણ પ્રભાવિત થયું છે. આ સીઝનમાં દિલ્હીમાં 18 ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાન 12.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ 22 વર્ષના મહત્તમ તાપમાનનો રેકોર્ડ હતો.

ઉત્તર ભારતમાં પહાડોથી લઈને મેદાનો સુધી હાડ થીજાવનારી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં ઠંડીએ કહેર વરસાવ્યો. આ સાથે દિલ્હીમાં પણ લોકો ઠૂંઠવાયા હતા. જમ્મૂ-કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે અનેક માર્ગો બંધ થયા તો અન્ય તરફ લાહૌલ સ્પીતિમાં માઈનસ 22 ડિગ્રી, કેલોંગમાં માઈનસ 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. યૂપીમાં ઠંડીના કારણે 31 લોકોના મોત નીપજ્યા. હિમવર્ષનો લાભ પ્રવાસીઓએ વધારે પ્રમાણમાં લીધો હતો.

દ્રાસમાં લઘુતમ તાપમાન -30.2 ડિગ્રી જ્યારે એન્ટાર્કટિકામાં લઘુત્તમ તાપમાન -26 ડિગ્રી નોંધાયું હતું. આ જ રીતે દિલ્હીના પાલમમાં પારો 5.4 ડિગ્રી નીચે ગયો હતો જ્યારે યુકેની રાજધાની લંડનમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન 11.8 ડિગ્રી હતું. દિલ્હીના સફદરજંગમાં પણ લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું.

દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પર્વતો પરથી ઠંડા પવનો આવવાના કારણે શિયાળો ચાલુ રહેશે અને ઠંડી વધશે. ગુરુવારે દિલ્હીમાં પાલમ સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં દિવસનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દિવસનું તાપમાન અંબાલામાં આઠ, ચંદીગઢમાં 6.6, શ્રીગંગાનગરમાં 9, જમ્મુમાં 9.8 અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

ઉત્તરાખંડમાં થઈ રહેલી ભારે હિમવર્ષા વચ્ચે કેદારનાથના આહલાદક દ્રશ્ય સામે આવ્યા છે. કેદારનાથ ખીણમાં ચારેય તરફ બરફના થર જામી ગયા છે. કેદારનાથમાં મકાનોથી લઈને મંદિર પર બરફની ચાદર છવાઈ ગઈ છે. કેદારનાથમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો માઈનસ 17 ડિગ્રીએ પહોંચ્યો છે. કેદારનાથ મંદિરના આકાશી દ્રશ્ય પણ સામે આવ્યા છે. જેમાં સમગ્ર કેદારનાથ બરફથી ઢંકાઈ ગયું છે. અહીં 8થી 10 ફૂટ સુધી બરફ જામી ગયો છે. કેદારનાથ મંદિરના શિયાળામાં છ મહિના સુધી કપાટ બંધ કરી દેવામાં આવે છે. જોકે અહીં કેદારનાથમાં આવેલા પૂર બાદ કેદારનાથની આસપાસ પ્રોટેક્શન વોલ અને અન્ય વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. જેના કર્મચારીઓ જ અહીં હોય છે. પણ ભારે હિમવર્ષાના કારણે કેદારનાથમાં કામ કરતા કર્મચારીઓને પણ ત્યાંથી પરત બોલાવી લેવાયા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી જાહેર કરાયેલી આગાહી મુજબ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં સતત ઠંડા દિવસની સ્થિતિને કારણે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ વર્તાશે. જ્યારે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિમાં વધારો થઈ શકે છે.

બુંદેલખંડ અને મધ્ય યુપીમાં ઠંડીને કારણે 31 લોકોનાં મોત નીપજ્યાં. કાનપુરમાં સૌથી વધુ 20 લોકોનાં મોત થયાં છે. વિશેષ વાત એ છે કે ગુરુવારે કાનપુરમાં 48 વર્ષ બાદ આટલી ઠંડી પડી છે. અહીં મહત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

રાજસ્થાન રાજ્યના ઘણા સ્થળોએ રાત્રિનું તાપમાન 1 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તાપમાનના આ ઘટાડા સાથે ગુરુવારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીતલહેર પ્રસરી ગઈ છે. સીકર જિલ્લાના ફતેહપુર શહેરમાં રાત્રિનું તાપમાન માઈનસ -3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ગાઢ ધુમ્મસ સાથે ગ્રાઉન્ડ હિમ અને તીવ્ર ઠંડીની સ્થિતિએ ચુરુ, સીકર અને ઝુંઝુનુ જિલ્લાઓ અને શેખાવતી વિસ્તારના નજીકના વિસ્તારોમાં સામાન્ય જીવનને હલાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સીકરમાં રાત્રિનું તાપમાન 0 ડિગ્રી જ્યારે પિલાનીમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]