પ્રજાસત્તાક દિવસે ભારતના મુખ્ય અતિથિ બનશે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ

નવી દિલ્હી- પ્રજાસત્તાક દિવસનાં અવસર પર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુખ્ય અતિથિ તરીકેનું ભારતનું આમંત્રણ નકાર્યા બાદ ભારતને પ્રજાસત્તાક દિવસ માટે નવા મુખ્ય અતિથિ મળી ગયા છે. દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સાયરલ રામાપોસા 26 જાન્યુઆરીની પરેડનાં મુખ્ય અતિથિ બની શકે છે. મળતી માહિતી મુજબ રામાપોસાએ ભારતનું આમંત્રણ સ્વીકારી લીધું છે.સૂત્રોનું માનીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પનાં વિકલ્પ તરીકે સરકાર ત્રણ દેશનાં વડાના નામ પર વિચારણા કરી રહી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સાયરલ રામાપોસાનું નામ મોખરે હતું. અને આખરે તેમના નામ પર જ અંતિમ સહમતિ થઈ હતી.

આ પહેલાં પ્રજાસત્તાક દિન-2019ના મુખ્ય મહેમાન તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત આવવાની વાત કરી હતી. જો તેઓ ભારત આવ્યા હોત તો આ તેમની ભારતની પ્રથમ મુલાકાત બની હોત. પરંતુ વ્હાઇટ હાઉસે પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત રદ કરવાની માહિતી આપી છે. એવું કહેવામાં આવે છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રશિયા સાથેના ભારતના એસ-400 મિસાઇલ સોદા અને ઇરાન સાથેના તેલના સોદાને કારણે ભારતનું આમંત્રણ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.

દક્ષિણ આફ્રિકાના 65 વર્ષીય નેતા સાયરલ રામાપોસા આ વર્ષે આફ્રિકન નેશનલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ફેબ્રુઆરીમાં તેમણે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લીધી હતી.