આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન મોદીનું દેશવ્યાપી ટીવી સંબોધન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લૉકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીના સંકટકાળમાં સરકારની આગળની વ્યૂહરચના અને યોજના વિશેની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં આપી શકે છે.આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ 6 કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંકેત આપ્યા કે લૉકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. પીઅમે મોદીએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે લૉકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. 25 માર્ચથી લાગુ 54 દિવસનું લૉકડાઉન 17 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસનો ફેલાવો વધુ રોકવા માટે આ લોકડાઉન લાગુ કરાયું છે અને એને 3 વાર લંબાવવામાં આવ્યું છે.

પીએમ મોદીએ ગઈ કાલે મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સંતુલિત રણનીતિ બનાવવાની જરૂર છે અને તેની પર ધ્યાન આપવાની જરૂર છે કે ગ્રામ્ય વિસ્તાર આ મહામારીથી મુક્ત રહે.

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, અમારી સામે બે પડકારો છે- આ બીમારીના સંક્રમણનો દર ઘટાડવો અને દિશા-નિર્દેશોનું પાલન કરીને સાર્વજનિક ગતિવિધિઓને ધીમે-ધીમે વધારવી તથા આપણે બંને ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવું પડશે.