UP પેટા ચૂંટણીમાં પરાજયનો પડઘો, સીએમ યોગીને દિલ્હીનું તેડું

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની લોકસભા બેઠક ગોરખપુર અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના શરમજનક પરાજય બાદ આજે સાંજે દિલ્હીમાં ઘટના અંગે મંથન કરવામાં આવશે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યને પેટા ચૂંટણીમાં પરાજય માટે દિલ્હીનું તેડું મોકલ્યું છે. આજે સાંજે પાંચ કલાકે બન્ને નેતાઓ સાથે અમિત શાહ મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં આ મહત્વની બેઠકો પર પરાજયની સમીક્ષા કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને કારણે ઉત્પન્ન થયેલા રાજકીય પડકારને પહોંચીવળવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ આ બેઠકમાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સપા, બસપા અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના મહાગઠબંધન સામે કેવા પ્રકારની રણનીતિ અપનાવવી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, પેટાચૂંટણીમાં કારમા પરાજય બાદ ઉત્તપર્દેશના સીએમ યોગી આદિત્યનાથે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમારા પરાજયનું કારણ વધારે પડતો આત્મવિશ્વાસ પણ હોઈ શકે છે’. યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંદેશ આપ્યો કે, ચૂંટણી હોય કે પરીક્ષા હોય એક વખત તૈયારી અંગે માહિતી મેળવવી જરુરી બની જાય છે. વધુમાં યોગીએ કહ્યું કે, અમે પરાજયની સમીક્ષા કરીશું અને 2019ની લોકસભા ચૂંટણીમાં અમારી બેઠક પાછી મેળવશું’.