કેન્દ્રએ ખેડૂતોનાં રૂ. 95,000 કરોડનાં દેવાં માફ કર્યાં : શાહ

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીની વસંત કુંજના કિશનગંજ સ્થિત ગૌશાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થયું. આ પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં યુપીએ સરકારે ખેડૂતોનાં રૂ. 60,000 કરોડનાં દેવાં માફ કર્યાં છે, જ્યારે મોદી સરકારે ખેડૂતોનાં રૂ. 95,000 કરોડનાં દેવાં માફ કર્યાં છે. આ સિવાય રૂ. 18,000 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં સીધા જમા કર્યા છે. શરદ પવાર કૃષિપ્રધાન હતા, ત્યારે ખેડૂતોનું બજેટ માત્ર રૂ. 21,900 કરોડ હતું, જ્યારે મોદીજીએ રૂ. 1,34,399 કરોડનું બજેટ કૃષિને આપ્યું.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વર્ષ 2009થી વર્ષ 2014ની વચ્ચે ધાન્ય અને ઘઉંની ખરીદી પર માત્ર રૂ. 3.74 લાખ કરોડનું ધાન્ય અને ઘઉં ખરીદ્યા છે, જ્યારે અમે 8.22 લાખ કરોડના ધાન્ય અને ઘઉં ખરીદ્યા છે. હાલમાં દરેક જગ્યાએ યુરિયા ઉપલબ્ધ છે. એનડીએ સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવ્યાં છે. મધ ઉત્પાદન માટે રૂ. 500 કરોડ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યં હતું કે ત્રણે કૃષિ કાયદાઓ ખેડૂતોની તરફેણમાં છે. ખેડૂતોની જમીન કોઈ છીનવી નથી શકતું. મંડીઓ પણ ચાલુ રહેશે દેશની જનતાએ કોંગ્રેસનો નકારી દીધી છે, જેથી કોંગ્રેસ રૂદાલીની જેમ રડી રહી છે.

સરકાર ખુલ્લા મને ખેડૂતોની સાથે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મોદીજીને ખેડૂતોએ પૂર્ણ બહુમતી આપી છે એટલે અમે ખેડૂતોનું દરેક પ્રકારે ભલું કરવા તૈયાર છીએ.