PNB કૌભાંડઃ સીબીઆઈએ બોગસ LOU ઈસ્યૂ કરનાર ત્રણની ધરપકડ કરી

નવી દિલ્હી– પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમને આજે મોટી સફળતા મળી છે. સીબીઆઈ ટીમે બોગસ એલઓયુ ઈસ્યુ કરનારા પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બે અન્ય લોકોમાં એક બેંકનો કર્મચારી મનોજ ખરાટ અને નીરવ મોદીની કંપનીના કર્મચારી હેમંત ભટ્ટ છે. ત્રણેયને આજે સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટમાં રજૂ કરાશે.

આ મહાકૌભાંડ પર સત્તા પર રહેલ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. બન્ને રાજકીય રીતે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકાળમાં આ કૌભાંડનો જન્મ થયો હતો. પણ હવે જાણકારી મળી રહી છે કે 11,300 કરોડ રુપિયાના આ મહાકૌભાંડમાં સૌથી વધુ LOU 2017-18 દરમિયાન ઈસ્યુ કરવામાં આવ્યા અને તેને રીન્યૂ કરવામાં આવ્યા હતા.

અંગ્રેજી સમાચાર પત્રના અહેવાલ મુજબ આ સંબધમાં ગુરુવારે એક વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી અને નીરવ મોદીએ પોતાની ત્રણ કંપની દ્વારા પંજાબ નેશનલ બેંકમાંથી રુપિયા 4,886 કરોડ મેળવ્યા હતા, બેંક પાસેથી આ રકમ 143 LOU દ્વારા મેળવાઈ છે.