કર્ણાટકની રાજકીય ચોપાટ પર આ બની શકે શતરંજના મહત્વના ખેલાડી

બેંગાલુરુ- કર્ણાટકમાં રાજકીય સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકારને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા આદેશ આપ્યો છે. રાજ્યપાલ દ્વારા ભાજપને રાજ્યમાં સરકાર બનાવવાના નિમંત્રણ અપાયા બાદ ઉઠેલા વિવાદ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આવો જાણીએ એ નેતાઓ વિશે જે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે.બી. શ્રીરામુલુ

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના દલિત ચહેરા તરીકે સામે આવેલા શ્રીરામુલુ કોઈપણ કટોકટીના સમયમાં પક્ષને મદદ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમણે પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધામૈયાને બદામી બેઠક જીતવા માટે એડી-ચોટીનું જોર લગાવવા મજબૂર કર્યા હતાં.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેરાત કરી હતી કે, કર્ણાટકમાં ભાજપ સત્તામાં આવશે તો, શ્રીરામુલુને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવી શકે છે. વાલ્મિકી સમુદાયમાંથી આવતા શ્રીરામુલુ કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોને તોડવા માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જનાર્દન રેડ્ડી

કર્ણાટકમાં જર્નાદન રેડ્ડીએ ભાજપને મજબૂત કરવા પડદા પાછળ રહીને મહત્વની કામગીરી બજાવી હોવાનું માનવામાં આવે છે. તેણે કર્ણાટકમાં શ્રીરામુલુ સાથે મળીને ભાજપના મૂળીયા ઉંડા કરવાનું કામ કર્યું છે. પક્ષના મૂળમાં ઊંંડું કામ કર્યું છે. હવે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં જનાર્દન રેડ્ડીના બન્ને ભાઈઓ જી. કરુણાકર રેડ્ડી અને જી. સોમશેખર રેડ્ડીની વિધાનસભામાં વાપસી થવાથી જનાર્દન રેડ્ડી પણ આ રમતમાં પરત ફરી શકે છે.

આર. અશોક

કર્ણાટકમાં ભાજપની અગાઉની સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચુકેલા આર. અશોકને કુશળ રાજનેતા માનવામાં આવે છે. વોક્કાલિગા સમુદાયમાંથી આવતા આર. અશોકને ફ્લોર ટેસ્ટ સમયે શ્રીરામુલુ સાથે સહયોગ કરીને ભાજપ માટે ધારાસભ્યોની નંબર ગેમ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

એચ.ડી. કુમારસ્વામી

પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાના પુત્ર અને કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન તરફથી રાજ્યમાં મુખ્યપ્રધાન પદના દાવેદાર કુમારસ્વામીએ સ્પષ્ટ સ્વરમાં ચેતવણી આપી છે કે, ભાજપ દ્વારા ધારાસભ્યો તોડવાની સ્થિતિમાં ‘કાઉન્ટર ઓપરેશન’ ચલાવવામાં આવશે. કુમારસ્વામીએ કહ્યું કે, ભાજપના 10થી 20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અમે બીજેપીને તેની જ ભાષામાં જવાબ આપશું.

ડી.કે. શિવકુમાર

એચ.ડી. દેવગૌડા પરિવારના કટ્ટર પ્રતિસ્પર્ધી માનવામાં આવતા ડી.કે. શિવકુમાર કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા છે. અને વિવિધ રાજ્યોમાં કટોકટીની સ્થિતિમાં કોંગ્રેસને એકજુટ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો શિવકુમાર અને કુમારસ્વામી એક સાથે આવશે તો ભાજપને સત્તાથી દૂર કરવામાં સફળ થઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]